ઉદ્યોગ જગત અને રોકાણકારોનો વિશ્વાસ પાછો ફરે તેવાં પગલાં લેવાં જરૂરી

ઉદ્યોગ જગત અને રોકાણકારોનો વિશ્વાસ પાછો ફરે તેવાં પગલાં લેવાં જરૂરી
અમારા પ્રતિનિધિ તરફથી  
મુંબઈ, તા. 13 : અર્થતંત્ર ગંભીર મુશ્કેલીમાં છે તે વાસ્તવિકતાનો સ્વીકાર કરીને સરકારે ઉદ્યોગજગત અને દેશી તેમ જ વિદેશી રોકાણકારોનો વિશ્વાસ પુન:સ્થાપિત થાય તેવાં પગલાં લેવાંની જરૂર છે એમ યુનિયન બૅન્કના અધ્યક્ષ કેવલ હાંડાએ જણાવ્યું હતું.   
પ્રવીણચંદ્ર વી. ગાંધી ચૅર ઈન બૅન્કિગ ઍન્ડ ફાઇનાન્સ તથા આઈએમસી ચેમ્બર અૉફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીના સંયુક્ત ઉપક્રમે આજે મુંબઈ યુનિવર્સિટી ખાતે યોજાયેલા સાતમા વાર્ષિક વ્યાખ્યાનમાં `મેડિસિન ઈન નીડ- બૅન્કિંગ ઍન્ડ ફાઇનાન્શિયલ સેક્ટર' વિષય પર બોલતાં હાંડાએ જણાવ્યું હતું કે સરકારે ઉદ્યોગજગત અને અન્ય નિષ્ણાતો સાથે બેસીને તેમનો વિશ્વાસ પાછો ફરે અને ઉત્સાહ વધે તેવાં પગલાં લેવાની જરૂર છે. જેમને નાણાંની, મૂડીની જરૂર છે તેમના સુધી - ખેડૂતો, નાના અને મધ્યમ ઉદ્યોગો, વેપારીઓ તેમ જ રોજગાર ગેરંટી યોજનાના લાભાર્થીઓ જેવા વર્ગો સુધી પૈસો પહોંચે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. એ લોકો તેનો ઉપયોગ કરશે અને તેથી માગ, રોકાણ, ઉત્પાદન અને આવકમાં વધારો થશે. તેલ સિવાયની આયાતોનું ઉત્પાદન કરવા માટે સ્થાનિક  ઉદ્યોગોને સબસિડી સહિતનાં પ્રોત્સાહનો અપાય તો મેઇક-ઈન-ઇન્ડિયાનું સૂત્ર સાર્થક થાય.  
હાંડાએ કહ્યું કે આજે નાણાકીય ક્ષેત્રે ભય, શંકા અને અવિશ્વાસનું વાતાવરણ છે. નોટબંધી, રેરા અને જીએસટીનો પાછળનો મૂળ ઉદ્દેશ સારો હોવા છતાં તેમની સામટી અસરરૂપે રિયલ એસ્ટેટનો ધંધો બેસી ગયો, ગ્રામીણ અર્થતંત્ર અને નાના ઉદ્યોગો બેહાલ બન્યા અને રોકાણકારોનો વિશ્વાસ ડગી ગયો. તાજેતરમાં આંધ્ર પ્રદેશ અને મહારાષ્ટ્રની સરકારોનાં કેટલાંક પગલાંથી વિદેશી રોકાણકારોના મનમાં પણ શંકાકુશંકાઓ પેદા થઇ છે જે મૂડીરોકાણને આકર્ષવામાં અવરોધરૂપ બની શકે.   
બૅન્કિંગ ઉદ્યોગની કટોકટી વિષે હાંડાએ કહ્યું કે વેપારી વ્યવસાયનું સંચાલન વહીવટી માનસિકતાથી કરવામાં જોખમ છે. કોઈ ધિરાણદાર નબળો પડતો દેખાય એટલે તરત જ એની લોનને એનપીએ જાહેર કરવાની અને એને એનસીએલટી સમક્ષ ઘસડવાની ઉતાવળ કરવાને બદલે તેને ફરીથી પગભર કરી શકાય એમ છે કે નહિ તેનો વિચાર કરવો જોઈએ. આજે બૅન્કોમાં બાબુશાહીનું કલ્ચર છે. મૅનેજરો નિર્ણયો લેતા અચકાય છે. જાહેર ક્ષેત્રની બૅન્કોને સીબીઆઈ અને વિજિલન્સ કમિશનના કાર્યક્ષેત્રમાંથી બહાર કાઢીને બૅન્કરોની જવાબદારીની વ્યાખ્યા વ્યવસાયી રીતે કરાય તો મૅનેજરો નિર્ણય લેવાની હિંમત કરશે. સરકારી માલિકીની બૅન્કોને બજાર આધારિત પગાર આપીને શ્રેષ્ઠ અધિકારીઓની ભરતી કરવાની છૂટ અપાય તો તેમનાં બોર્ડ સ્વતંત્ર અને કાર્યદક્ષ બને. આઈએમસી ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ રામ ગાંધીએ મુખ્ય અતિથિનું સ્વાગત કર્યું હતું.  
મુંબઈ યુનિવર્સિટીના ઉપકુલપતિ સુહાસ પેડણેકરે કહ્યું કે આજે વિશ્વ વધુ સંકુલ અને ઘટનાઓ વધુ વિક્ષેપકારી બની છે ત્યારે યુવા પેઢીને ઉત્કૃષ્ટતાની આરાધના કરતા શીખવીને ભાવિ પડકારો ઝીલવા માટે તૈયાર કરવાની જવાબદારી શિક્ષણકારોની છે.      
આઈએમસી ચેમ્બરના પ્રમુખ આશિષ વૈદે કહ્યું કે કઠિન પરિસ્થિતિનો સામનો કરવા માટે કઠોર નિર્ણયો લેવાનો સમય પાકી ગયો છે. જોકે, પરિસ્થિતિમાં ધીમો સુધારો છે. બૅન્કિંગ ક્ષેત્રની ડૂબવાપાત્ર લોનોનું પ્રમાણ હાલના નવ ટકાથી ગતિને માર્ચ 2020 સુધીમાં 8 ટકા થવાની ધારણા છે.  પ્રવચનના અંતે પ્રશ્નોત્તરી બાદ જમનાલાલ બજાજ ઇન્સ્ટિટયૂટ અૉફ મૅનેજમેન્ટ સ્ટડીઝનાં ડિરેક્ટર ડૉ. કવિતા લઘાટેએ વક્તાઓ, શ્રોતાઓ અને ઉપસ્થિત મહેમાનોનો આભાર માન્યો હતો.
Published on: Sat, 14 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer