સિઝનમાં પહેલી વાર મુંબઈમાં તાપમાનનો પારો 20 ડિગ્રી નીચે

મુંબઈ, તા. 14 : આજે મુંબઈગરા ઉઠયા ત્યારે તેઓએ ઠંડીનો અનુભવ કર્યો હતો. વાતાવરણમાં ભારે ઠંડી હતી જ્યારે ગઈકાલે જ્યારે મુંબઈગરા સવારે ઊઠયા ત્યારે ઠંડીની થોડ લહર અનુભવી હતી, પણ દિવસ ચઢતાં સ્થિતિ પહેલાં જેવી જ અનુભવાઈ હતી. હવામાન વિભાગ તરફની જાણકારી મુજબ આ બદલાવ તાપમાનમાં થઈ રહેલા ઘટાડા કારણે અનુભવાય છે. આ સિઝનમાં પહેલી વાર તાપમાન 20 ડિગ્રી સેલ્શિયસથી નીચે આવ્યું છે.
દિલ્હી, ગુજરાત અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં વરસાદ થતાં અને હિમાચલ પ્રદેશમાં બરફ પડતાં દેશના ઘણાખરા ભાગોમાં તાપમાન ઘટયું હોવાનો અહેસાસ થયો છે. શુક્રવારે મુંબઈ શહેરમાં અધિકતમ તાપમાન 30.9 ડિગ્રી સેલ્શિયસ અને લઘુતમ તાપમાન 22 ડિગ્રી સેલ્શિયસ રહ્યું હતું. તો તેના પરાં વિસ્તારોમાં અધિકતમ તાપમાન 30.4 અને લઘુતમ 19.5 ડિગ્રી સેલ્શિયસ હતું. છતાંય વાતાવરણની આ સ્થિતિ એવી ગણાય નહીં કે જે આ સમયે હોવી જોઈએ. આ સિઝનમાં લઘુતમ તાપમાન 16-17 સેલ્શિયસ જેવું આવી જતું હોય છે. આ સ્થિતિમાં ગરમીમાં આવા ઘટાડાથી રાહત અનુભવાતી નથી. અગાઉ 20 ડિસેમ્બર 1949માં ડિસેમ્બરના અત્યાર સુધીના ગાળામાં લઘુતમ તાપમાન 10.6 ડિગ્રી સેલ્શિયસ જેવું નીચું આવ્યું હતું.
હવામાનની આગાહી કરનાર સ્કાયમેટે જણાવ્યું કે તાપમાન હજી નીચું આવશે. જે આજથી દેખાવા લાગે એવી શક્યતા છે. જેમાં ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતના વિસ્તારોમાં ઉષ્ણતામાન ઘટતું જણાશે. હાલની સિસ્ટમ અનુસાર સપ્તાહના અંત અથવા નવા સપ્તાહની શરૂઆત સુધી મુંબઈનું તાપમાન વધુ બે ડિગ્રી સેલ્શિયસ જેટલું ઘટી શકે છે. ડૉક્ટરોના જણાવ્યા મુજબ તાપમાનમાં આ પ્રકારે ઉતાર-ચઢાવની સાથેસાથે વાયરલ ઈન્ફેક્શન અને શ્વાસની બીમારીની સમસ્યા વધી શકે છે. આવી શારીરિક સમસ્યામાં રાહ જોયા વિના ડૉક્ટરની સલાહ-સૂચન લેવા જોઈએ.

Published on: Sat, 14 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer