લોકલના મહિલા ડબાઓમાં પુરુષોની ઘૂસણખોરી વધી

મુંબઈ, તા. 14 : પરાંની ટ્રેનોમાં મહિલા પ્રવાસીઓનો પ્રવાસ હજી પણ સુરક્ષિત ન હોવાનું બહાર આવ્યું છે. મહિલાઓના ડબામાં ઘૂસણખોરી કરતા પુરુષોની સંખ્યા દર વર્ષે વધતી રહી છે અને તેને રોકવામાં રેલવેને સફળતા મળતી નથી. ગત વર્ષભર 13,007 પુરુષોએ મહિલાઓના ડબામાં ગેરકાયદે ઘૂસણખોરી કરી હતી અને આવા પ્રવાસીઓ પાસેથી 28.67 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો, એવી માહિતી પશ્ચિમ રેલવે વતી ગુરુવારે મુંબઈ હાઈ કોર્ટને આપવામાં આવી હતી.
મહિલાઓની સલામતી તેમ જ વધતા રેલવે અકસ્માત રોકવા માટે મુંબઈ હાઈ કોર્ટમાં હેલ્થ ફાઉન્ડેશન અને એક્ટિવિસ્ટ સમીર ઝવેરી વતી જાહેર હિતની અરજી નોંધવામાં આવી હતી. એ અરજી પર ન્યાયમૂર્તિ સત્યરંજન ધર્માધિકારી અને ન્યાયમૂર્તિ રિયાઝ છાગલાની ડિવિઝન બેન્ચ સમક્ષ સુનાવણી થઈ હતી. એ સમયે મધ્ય અને પશ્ચિમ રેલવે વતી કોર્ટમાં પ્રતિજ્ઞાપત્ર રજૂ કરવામાં આવ્યા હતાં.
મહિલાઓની સલામતી માટે પશ્ચિમ રેલવેએ વિવિધ પગલાં લીધાં છે. વૉટ્સઍપ પર નવ (9) સખી ગ્રુપ બનાવવામાં આવ્યાં છે. ઉપરાંત તાકીદની પરિસ્થિતિમાં ટ્વીટર મારફતે મહિલાઓની સમસ્યાઓને પ્રતિસાદ આપવામાં આવે છે અને મહિલાઓની સલામતી માટે આરપીએફના જવાનો તૈનાત હોય છે, એવું કોર્ટને જણાવાયું હતું.
ફરજમાં બેદરકારી દાખવવા બદલ 108 જવાનો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. એવું એફિડેવિટમાં જણાવાયું હતું.
લોકલ ટ્રેનોમાં થતી ગિરદીના ઉકેલરૂપે રેલવે પ્રશાસન 15 ડબાની ટ્રેનો ફાસ્ટ લાઈન પર દોડાવે છે પણ હવે ધીમી લાઈન પર પણ 15 ડબાની લોકલ દોડાવવા પર વિચારણા થઈ રહી છે, એવું મધ્ય રેલવે વતી જણાવાયું હતું.
મધ્ય રેલવે વતી જણાવાયું હતું કે, અૉક્ટોબર 2020 સુધીમાં ટ્રેનોમાં 327 મહિલા સલામતી રક્ષકો સહિત કુલ 526 કોન્સ્ટેબલો તૈનાત કરવામાં આવશે.

Published on: Sat, 14 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer