મોંઘા મોબાઈલ ફોનની દાણચોરીને કારણે સરકાર ખાસ્સી આવક ગુમાવે છે

મોંઘા મોબાઈલ ફોનની દાણચોરીને કારણે સરકાર ખાસ્સી આવક ગુમાવે છે
નવી દિલ્હી, તા. 14 : રૂા. 50000થી વધુ કિંમતના વેચાતા મોબાઈલ મોટા ભાગે દાણચોરીથી દેશમાં લાવવામાં આવે છે જેના કારણે સરકારની તિજોરીને ફટકો પડી રહ્યો છે. આવા ફોનમાં એપલ આઈકોન, દક્ષિણ કોરિયાની કંપની સેમસંગ અને ગુગલ પિક્સલનાં કેટલાંક મોડલ રહેલાં છે. મોબાઈલ કંપનીઓનું પ્રતિનિધિત્વ કરતા ભારતીય સેલ્યુલર એવમ ઇલેક્ટ્રોનિક એસોસિયેશન (આઈસીઈએ) દ્વારા સેન્ટ્રલ બોર્ડ અૉફ ઈનડાયરેક્ટ ટૅક્સિસ ઍન્ડ કસ્ટમ્સ (સીબીઆઈસી)ના અપાયેલા ડેટા મુજબ રૂા. 15000 કરોડની આ સેગમેન્ટમાં રૂા. 8000 કરોડના મોબાઈલ ફોન દેશમાં ગ્રે માર્કેટ થકી આવે છે. દેશમાં વેચાતા કુલ મોબાઈલ ફોન્સમાં આ સેગમેન્ટનો હિસ્સો 7.2 ટકા છે.
તેમાં આ પ્રકારની દાણચોરી કારણે સરકારને વાર્ષિક રૂા. 2400 કરોડ ગુમાવવા પડયા છે. મોબાઈલની દાણચોરીનું કારણ સ્પષ્ટ છે કે આવા પ્રકારના ફોન પર 20 ટકા આયાતડયૂટી લગાવાઈ છે જેનો મુખ્ય ઉદ્દેશ ઘરઆંગણે તેનું ઉત્પાદન વધારવાનો છે. વળી કાયદેસર આવતા ફોન અને ગ્રે માર્કેટ લાવવામાં આવતા ફોનની કિંમતમાં ખાસ્સો તફાવત રહ્યો છે. આથી સારી કમાણી કરી લેવાની લાલચ થાય સ્વાભાવિક છે. આ કારણે જ દુબઈ અને અમેરિકાના હોંગકોંગ જેવા દેશોમાં જ્યાં શૂન્ય ડયૂટી છે ત્યાંથી આ ફોન ભારત લવાય છે. આઈસીઈએ સીબીઆઈસીને પત્રમાં જણાવ્યું હતું કે ભારતમાં રૂા. એક લાખના ફોન (બધા ટૅક્સની ગણતરી સાથે) વિદેશના આ બજારોમાં રૂા. 25થી 30 હજાર જેટલા ઓછા ભાવે ઉપલબ્ધ રહે છે. આ ફોનો પર આયાતડયૂટી અને 12 ટકા જીએસટીની ચૂકવણી કરાતી નથી અને બજારભાવથી બે તૃતિયાંશ કિંમતે તેનું ગ્રે માર્કેટમાં વેચાણ કરાય છે.

Published on: Sat, 14 Dec 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer