નાગરિકત્વનો વિવાદ : મહાવિકાસ આઘાડીમાં વિખવાદ?

નાગરિકત્વનો વિવાદ :  મહાવિકાસ આઘાડીમાં વિખવાદ?
મુંબઈ, તા. 14: નાગરિકત્વ સુધારા ખરડાને રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યાના બીજા દિવસે મહાવિકાસ આઘાડીના ત્રણ મુખ્ય પક્ષો શિવસેના, કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ વચ્ચે રાજ્યમાં ખરડાના અમલ અંગેના મતભેદો સપાટી પર આવ્યા છે.
શિવસેનાએ જણાવ્યું કે પક્ષપ્રમુખ અને મુખ્ય પ્રધાન ઉધ્ધવ ઠાકરે યોગ્ય સમયે ખરડાનો રાજ્યમાં અમલ કરવો કે નહીં એ અંગે નિર્ણય લેશે. જ્યારે કૉંગ્રેસે સ્પષ્ટપણે જણાવ્યું છે કે તેઓ રાજ્યમાં ખરડાને અમલમાં મુકવા નહીં દે. તો એનસીપીએ કહ્યું કે રાજ્યમાં ત્રણ પક્ષોની સરકાર છે અને આ અંગેનો નિર્ણય આઘાડીની કૉ-અૉર્ડિનેશન 
કમિટી લેશે.
રાજ્યના કૉંગ્રેસના પ્રમુખ અને મહેસુલ પ્રધાન બાળાસાહેબ થોરાતે કહ્યું કે, કૉંગ્રેસે લોકસભા અને રાજ્યસભામાં ખરડાનો ભારે વિરોધ કર્યો છે. અમારું વલણ સ્પષ્ટ છે. ભવિષ્યમાં કેવા પગલાં લેવા એ અંગે કૉંગ્રેસ હાઈ કમાન્ડના આદેશની રાહ જોઈ રહ્યા છીએ. કૉંગ્રેસ શાસિત પંજાબ અને મધ્ય પ્રદેશે તો જાહેર કરી દીધું છે કે તેઓ ખરડાનો અમલ નહીં કરે.
જાહેર બાંધકામ ખાતાના કૉંગ્રેસના પ્રધાન નીતિન રાઉતે પણ કહ્યું કે, રાજ્યમાં નવા કાયદાનો અમલ નહીં થાય એની ખાતરી આપે છે.
શિવસેનાના પ્રવક્તાએ જણાવ્યું કે, મુખ્ય પ્રધાન યોગ્ય સમયે નવા કાયદાનો અમલ કરવો કે નહીં એ અંગે ટિપ્પણી કરશે. શિવસેનાના ગૃહ અને શહેરી વિકાસ ખાતાના પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું કે, આ મામલે શિવસેના પર કોઈ દબાણ નથી. શિવસેનાએ અમુક પ્રશ્નો પણ કર્યા હતા પરંતુ કેન્દ્ર સરકારે એનો સંતોષજનક જવાબ આપ્યો નહોતો એટલે પક્ષના સાંસદો મતદાન સમયે રાજ્યસભામાંથી વૉકઆઉટ કરી ગયા હતા. મુખ્ય પ્રધાન ઉધ્ધવ ઠાકરે નિર્ણય લેવા માટે સક્ષમ છે અને આ મુદ્દે તેઓ કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ સાથે ચર્ચા કરશે.
એનસીપીના પ્રવક્તા નવાબ મલિકે જણાવ્યું કે, તેમના પક્ષે લોકસભા અને રાજ્યસભામાં રજૂ કરાયેલા પ્રસ્તાવ અંગે સ્પષ્ટ વલણ અપનાવ્યું છે. પરંતુ જ્યાં સુધી મહારાષ્ટ્રની વાત છે, તો ત્રણેય પક્ષોના વરિષ્ઠ નેતાઓને કોઈપણ નિર્ણય લેવા અગાઉ વિશ્વાસમાં લેવા જોઈએ.
અમારું માનવું છે કે નવો કાયદો બંધારણની ઉપરવટ જઈ બનાવાયો છે અને એને પડતો મુકવો જોઈએ. એનસીપીનું માનવું છે કે નિર્ણય લેવા અગાઉ સર્વસંમતિ લેવી જોઈએ. રાજ્યમાં કાયદાનો અમલ કરવો કે નહીં એ અંગેનો નિર્ણય કૉ-અૉર્ડિનેશન કમિટીની મિટિંગમાં લેવાશે.
ભાજપ અને શિવસેના વચ્ચેનો વિખવાદ શમવાનું નામ નથી લેતો. પક્ષના મુખપત્ર સામનાના તંત્રીલેખમાં આક્ષેપ કર્યો છે કે, નવો કાયદો પશ્ચિમ બંગાળની ચૂંટણીને ધ્યાનમાં રાખી બનાવાયો છે જેથી ધ્રુવીકરણ થકી સત્તામાં આવી શકાય. શિવસેનાના મુખપત્ર સામનાએ પૂછ્યું છે કે, કઈ કિંમતે? શા માટે ભાજપ દેશની શાંતિ અને સ્થિરતાને ડહોળાવી રહી છે?
ગૃહપ્રધાન અમિત શાહના નિવેદનમાં એવું તે શું બન્યું કે લોકસભામાં શિવસેનાએ ખરડાની તરફેણમાં મતદાન કર્યું અને રાજ્યસભામાં વૉકઆઉટ કરવું પડયું. કારણ, શિવસેનાએ ખરડાની તરફેણમાં મત આપતા કૉંગ્રેસે નારાજી વ્યક્ત કરી હતી.
જેઓ બંધબારણે યોજાયેલી બેઠકમાં લેવાયેલા નિર્ણયો પોતાની અનુકૂળતાએ ભૂલી જતા હોય તેમણે આવા પ્રશ્નો પૂછવા ન જોઈએ. આ તો શિવસેનાએ કરેલા આક્ષેપોનું પુનરાવર્તન છે. ભાજપે અઢી વરસના મુખ્ય પ્રધાન પદના આપેલા વચનને યાદ રાખવું જોઈએ એમ સામનામાં જણાવાયું હતું. ભાજપના નેતા આશિષ શેલારે શુક્રવારે મુખ્ય પ્રધાન ઉધ્ધવ ઠાકરેને લખેલા પત્રમાં ઐતિહાસિક એવા સુધારિત ખરડાને અમલમાં મુકવા જણાવ્યું હતું. એ સાથે આશિષ શેલારેએ ઉધ્ધવ ઠાકરેને તેમના વલણને સ્પષ્ટ કરવા વિનંતી કરી છે. કારણ કૉંગ્રેસે રાજ્યમાં ખરડો લાગુ ન થાય એ માટેની ભૂમિકા સ્પષ્ટપણે જણાવી છે.

Published on: Sat, 14 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer