મજબૂત અૉસ્ટ્રેલિયા સામે ટીમ ઇન્ડિયાની નક્કર ટક્કર

મજબૂત અૉસ્ટ્રેલિયા સામે ટીમ ઇન્ડિયાની નક્કર ટક્કર
આશિષ ભીન્ડે તરફથી
મુંબઈ, તા. 13 : ગયા વર્ષના વન-ડે વર્લ્ડ કપ પહેલાં અૉસ્ટ્રેલિયા 2-0થી પાછળ રહ્યા બાદ ભારત સામેની પાંચ મૅચોની વન-ડે શ્રેણીમાં 3-2થી વિજય મેળવ્યો હતો. ગયા વર્ષે વર્લ્ડ કપ બાદ અૉસ્ટ્રેલિયા વન-ડે શ્રેણી ભારત સામે જ રમી રહ્યું છે. વર્લ્ડ કપની સેમિ-ફાઇનલમાં ઇંગ્લૅન્ડ અને ન્યૂ ઝીલૅન્ડ સામે હારનો સામનો કરનાર અનુક્રમે અૉસ્ટ્રેલિયા અને ભારત માટે ત્રણ મૅચોની આ શ્રેણી રસપ્રદ થઈ પડશે. એક તરફ ટીમ ઇન્ડિયા સામે ત્રણ ઓપનરમાંથી કોને ડ્રોપ કરવો એની મીઠી મૂંઝવણ છે. તો, અૉસ્ટ્રેલિયાના ટોચના ત્રણ બૉલર માઇકલ સ્ટાર્ક, પેટ કમિન્સ અને જોશ હેઝલવૂડ પાછા ફર્યા છે. ગયા વર્ષે ભારત આવેલી ટીમમાં ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથ જેવા સ્ટાર બૅટ્સમૅન નહોતા. આમ, આ વખતે અૉસ્ટ્રેલિયન ટીમ વધુ મજબૂત છે. હા, અૉલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ ટીમમાં નથી એ જરાક રાહત છે. તો, ટીમ ઇન્ડિયામાં તેજીલા તોખાર જસપ્રીત બુમરાહની કમબેક સારા સમાચાર છે. જોકે, ભારતને મિડલ અૉર્ડરમાં સમસ્યાઓ છે. ટૂંકમાં, રસપ્રદ શ્રેણીનો આરંભ વાનખેડેથી થઈ રહ્યો છે. કેટલાક સીમાચિહ્નો આજે સર થાય એવી શક્યતા છે.
ભારત સામે વન-ડેમાં અૉસ્ટ્રેલિયાનો હાથ હંમેશાં ઉપર રહ્યો છે, પણ વાત ભારતની ધરતી પર રમાયેલી મૅચની હોય તો આ બે ટીમો લગભગ પચાસ-પચાસ ટકાનો વિજય દર ધરાવે છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આ બે ટીમો વચ્ચે રમાયેલી ત્રણમાંથી બેમાં અૉસ્ટ્રેલિયાનો વિજય થયો હતો. છેલ્લે 2017ની 10મી અૉક્ટોબરે આ બે બળૂકી ટીમો વાનખેડે ખાતે ટકરાઈ હતી, ત્યારે ભારતનો બે વિકેટે વિજય થયો હતો. ટીમ ઇન્ડિયાના સુકાની કોહલીએ ત્રણેય ઓપનર આજની ગેમમાં રમી શકે છે, એવો ઇશારો કર્યો છે. એ જોતાં રિષભ પંતને બદલે કે. એલ. રાહુલને વિકેટકીપિંગની જવાબદારી સોંપાઈ શકે છે. રોહિત, રાહુલ અને શિખર ઉપરાંત વિરાટ કોહલીની બૅટિંગ લાઇનઅપ વિધ્વંશક છે. પણ, મૂળ મુદ્દો મિડલ અૉર્ડરનો છે. હાર્દિક પંડયા ફિટ ન હોવાથી ટીમ મૅનેજમેન્ટ કેદાર જાધવ પર પસંદગી ઉતારે છે કે શુભમ દુબેને ઘર-આંગણે તક અપાય છે. તો બુમરાહ વર્લ્ડ કપ બાદ વન-ડેમાં પુનરાગમન કરી રહ્યો છે, તેની સાથે શમી, શાર્દુલ ઠાકુર અને નવદીપ સૈનીમાંથી કોઈ બેને રમાડવા પડશે.
અૉસ્ટ્રેલિયાના બે ઓપનરો અને ત્રીજા નંબરે સ્મિથ રમતો હોવાથી ટેસ્ટ સેન્સેશન મારનસ લાબુશ્ચાનેને ક્યાં રમાડવો એની મીઠી મૂંઝવણ મહેમાનોને રહેશે. પીટર હેન્ડસકોમ્બ અને એલેક્સ કેરીએ ગઈ સિઝનમાં ભારતની બૉલિંગની ખબર લઈ નાખી હતી. બૉલિંગમાં ટેસ્ટ બૉલરોની ત્રિપુટી (સ્ટાર્ક, હેઝલવુડ, કમિન્સ) ભારત માટે પડકાર બનશે, તો એગર અને ઝામ્યાનો રેકોર્ડ પણ ટીમ ઇન્ડિયા સામે ઊજળો રહ્યો છે. વાનખેડેની પીચ પર રન રમઝટ જામે છે અને ગયા મહિને અહીં વેસ્ટ ઇન્ડિઝ સામે રમાયેલી ટી-20માં આ જલવો જોવા મળ્યો હતો. જોકે, સોમવારે સવારે મુંબઈમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું, એ જો આજે પણ રહ્યું તો પીચનો મિજાજ પલટાઈ શકે છે. ઝાકળને કારણે ટોસ જીતનાર ટીમ પ્રથમ બૉલિંગ કરવાનું પસંદ કરશે.
આજની મૅચમાં અનેક ખેલાડીઓ સીમાચિહ્નોના ઉંબરે છે. ડેવિડ વોર્નરને પાંચ હજાર વન-ડે રન કરવા માટે 10 દસ રનની આવશ્યકતા છે. તો 100 વિકેટના માઇલસ્ટોનથી કુલદીપ યાદવ એક તો પેટ કમિન્સ ચાર વિકેટ દૂર છે. ભારતીય સુકાની વિરાટ કોહલીના નામે અૉસ્ટ્રેલિયા સામે આઠ સદી બોલે છે, સચીન તેંડુલકરે કાંગારુંઓ સામે નવ સદી ફટકારી હતી, કોહલી આજે સેન્ચુરી કરે તો સચીનની બરાબરીમાં આવી જશે. રોહિત શર્માનો અૉસ્ટ્રેલિયા સામેનો રેકોર્ડ જબરદસ્ત છે. 37 વન-ડેમાં રોહિતે 61.72ની એવરેજ સાથે 2037 રન કર્યા છે, આમાં સાત સદી, આઠ અડધી સદી અને એક બેવડી સદીનો સમાવેશ થાય છે.
Published on: Tue, 14 Jan 2020

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer