કમર્શિયલ રિયલ્ટીની માગમાં વિક્રમી ઉછાળો

કમર્શિયલ રિયલ્ટીની માગમાં વિક્રમી ઉછાળો
અૉફિસ લીઝિંગ 40 ટકા વધ્યું
મુંબઈ, તા. 13 : અૉફિસની જગ્યાની માગ વધતાં વર્ષ 2019માં દેશમાં લીઝિંગ ગતિવિધિ નોંધપાત્ર વધી હતી. 2019માં સમગ્ર ભારતમાં ગ્રોસ અૉફિસ લીઝિંગ વોલ્યુમ 6.94 કરોડ સ્કે. ફૂટ હતું, જે તેના પાછલા વર્ષે 4.95 કરોડ સ્કે. ફૂટ હતું, એમ કુશમેન ઍન્ડ વેકફિલ્ડના આંકડા દર્શાવે છે. લીઝિંગમાં વાર્ષિક ધોરણે 40 ટકાની વૃદ્ધિ ઉપરાંત તે રેકર્ડ સ્તરે રહ્યું હતું. રોજગારઊઁ સ્તર ઓછો હોવાથી સાથે સપ્લાય પણ વધુ હોવા છતાં ભાડામાં વધારો થયો હતો અને કો-વર્કિંગ સ્પેસમાં 2018ની સરખામણીએ 1.43 ગણો વધારો થયો હતો.
પ્રિલીઝિંગ કામકાજ પણ વાર્ષિક ધોરણે 7.2 ટકા વધીને 1.72 કરોડ સ્કે. ફૂટ હતું. તે અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટી પણ છે. મુખ્ય બજારોમાં હૈદરાબાદમાં પૂર્વ-વચન 58 લાખ સ્કે. ફૂટ હતું, જે કુલ હિસ્સાના 34 ટકા છે, જ્યારે બેંગલુરુમાં 47 લાખ સ્કે. ફૂટ હતું, જે 27 ટકા હિસ્સો છે. ખાસ વાત એ છે કે દિલ્હી-એનસીઆર, મુંબઈ અને ચેન્નઈમાં પણ માગ રહી છે.
કુશમેન ઍન્ડ વેકફિલ્ડ ઇન્ડિયાના કન્ટ્રી હેડ અને મૅનેજિંગ ડિરેકટર અંશુલ જૈને કહ્યું કે 2019ના આંકડા 2018 અને 2017ના કુલ આંકડાની સરખામણીએ પણ વધુ છે. આઈટી ક્ષેત્રએ તેમના રિયલ એસ્ટેટ પોર્ટફોલિયોને વધાર્યો છે અને લીઝિંગ કામકાજમાં સૌથી વધુ ફાળો આપે છે. ઉદ્યોગની આશા કરતાં અૉફિસ લીઝિંગ કામકાજ વધુ રહ્યું હતું. તેથી આવતા વર્ષ માટે પણ 
આશાવાદ રહ્યો છે. હૈદરાબાદ અને દિલ્હી-એનસીઆરમાં અભૂતપૂર્વ પ્રતિસાદ રહ્યો હતો. મુંબઈમાં સોદા-પૂર્વની પૂછપરછમાં 2018ની સરખામણીએ 20 ગણો વધારો હતો. તે પછી ગ્રોસ લીઝિંગની દૃષ્ટિએ બેંગલુરુ ટોચ ઉપર છે.
ભારતમાં 2019માં નેટ એબ્સોર્પશન 4.5 કરોડ સ્કે. ફૂટ હતું, જે 2018ના 2.9 કરોડ સ્કે. ફૂટની સરખામણીએ 1.56 ગણુ વધુ છે. વર્ષ દરમિયાન કમર્શિયલ લીઝિંગ 70 લાખ સ્કે. ફૂટથી વધુનું હતું, જે ભારતીય કમર્શિયલ લીઝિંગ ક્ષેત્રમાં સર્વોચ્ચ સપાટી છે. આમાં સૌથી વધુ દિલ્હી-એનસીઆરમાં વાર્ષિક ધોરણે 94 ટકા વધીને 24 લાખ સ્કે. ફૂટ અને બેંગલુરુમાં 17 લાખ સ્કે. ફૂટ સ્પેસ ભાડા માટે અપાઈ હતી. પુણેમાં માગ વાર્ષિક ધોરણે ત્રણ ગણી વધીને 10 લાખ સ્કે. ફૂટ થઈ હતી.
ઈન્ફોર્મેશન ટેક્નૉલૉજી અને બિઝનેસ પ્રોસેસ મૅનેજમેન્ટ (આઈટી-બીપીએમ) ક્ષેત્રમાં સૌથી વધુ માગ યથાવત્ રહી હતી. કુલ લીઝિંગમાં આઈટી-બીપીએમનો હિસ્સો 32.6 ટકા હતો. તે પછી ગ્લોબલ કેપિબિલિટી સેન્ટર્સનો 19.8 ટકા હતો. બેંગલુરુ 1.64 કરોડ સ્કે. ફૂટની માગ સાથે ટોચ ઉપર હતો. તે પછી દિલ્હી-એનસીઆરનો 1.39 કરોડ સ્કે. ફૂટ અને હૈદરાબાદનો 1.07 કરોડ સ્કે. ફૂટ હતો. અૉફિસ વેકેન્સી પુણેમાં સૌથી ઓછી 3.6 ટકા અને તે પછી બેંગલુરુમાં 5.2 ટકા હતી. તે પછી હૈદરાબાદનો 5.5 ટકા અને ચેન્નઈનો (9.7 ટકા) ક્રમ આવે છે.
2019માં અૉફિસની નવી જગ્યામાં 47 ટકાનો વધારો નોંધાયો હતો. આમાં દિલ્હી-એનસીઆરનો હિસ્સો 27 ટકા હતો. આ રાજ્યમાં નવી અૉફિસોમાં વાર્ષિક ધોરણે 140 ટકાનો વધારો થયો હતો. હૈદરાબાદમાં અૉફિસ સ્ટોક 21 ટકા વધ્યો હતો. વર્ષ દરમિયાન અહીં 1 કરોડ સ્કે. ફૂટ વિસ્તારમાં નવી અૉફિસો સ્થપાઈ હતી.
Published on: Tue, 14 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer