નિફટી સકારાત્મક ટ્રેડ થકી 73 પૉઈન્ટ વધીને 13330

નિફટી સકારાત્મક ટ્રેડ થકી 73 પૉઈન્ટ વધીને 13330
સ્મોલ-મિડકૅપમાં ઘટાડે લેવાલી
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 13 : અમેરિકા-ચીન વચ્ચેના પ્રથમ તબક્કામાં ટ્રેડ કરાર થવાની તૈયારી હોવાથી વૈશ્વિક બજાર સાથે સ્થાનિક શૅરબજારમાં સતત સુધારો જોવાયો છે. શરૂઆતથી નિફટી ગૅપમાં ઉપર તરફ ખૂલીને સમગ્ર સત્ર દરમિયાન સકારાત્મક ઝોનમાં ફરીને ટ્રેડ અંતે 72 પૉઈન્ટ વધીને 13330ના લેવલે બંધ રહ્યો હતો. આજે બીએસઈ-સેન્સેક્ષ વધુ 260 પૉઈન્ટ વધીને 41859.69ના સ્તરે બંધ રહ્યો હતો. જોકે, રોકાણકારો ફુગાવાના આંકડાની પ્રતીક્ષા કરી રહ્યા હોવાથી મોટો સુધારો અવરોધાયો છે. આમ છતાં ઈન્ફોસીસનાં સારાં પરિણામથી બજારમાં થોડો સંતોષ જણાય છે.
આજના સુધારામાં સૌથી વધુ ઉછાળે ઈન્ફોસીસ રૂા. 35 (પાંચ ટકા), ઈન્ડસઈન્ડ બૅન્ક રૂા. 49 (3.6 ટકા), ભારતી ઍરટેલ રૂા. 12, એચયુએલ રૂા. 41 (3 ટકા), બ્રિટાનિયા રૂા. 55 (2 ટકા), ટિસ્કો રૂા. 9, બજાજ ફાઈનાન્સ રૂા. 83, ટેક મહિન્દ્રા રૂા. 10, અલ્ટ્રાટેક રૂા. 24 અને એચડીએફસી રૂા. પાંચ વધ્યા હતા. જ્યારે ઘટનાર શૅરમાં બજાજ અૉટો રૂા. 7, નેસ્લે રૂા. 28, આઈશર મોટર રૂા. 153, યસ બૅન્ક રૂા. 3 (પાંચ ટકા), ટીસીએસ રૂા. 23 મુખ્ય દબાણમાં રહ્યા હતા.
આજે ક્ષેત્રવાર સુધરનારા ઈન્ડેક્સમાં રિયલ્ટી 2 ટકા, આઈટી 1 ટકા, એફએમસીજી 1 ટકા અને નાણાં સેવામાં 0.60 ટકા સુધારે હતા. વ્યક્તિગત શૅરમાં અદાણી ટ્રાન્સમિશન 2 ટકા વધ્યો હતો. બીએસઈ ખાતે મિડકૅપ ઈન્ડેક્સ સતત પાંચમા સેશનમાં 0.80 ટકા અને સ્મોલકૅપ ઈન્ડેક્સ 0.93 ટકા વધ્યો હતો. અહેવાલ પ્રમાણે વર્ષ 2019 દરમિયાન વાણિજ્યિક મિલકતની માગમાં 40 ટકાનો નોંધપાત્ર સુધારો આવ્યો છે. જેથી નીચા મથાળે રિયલ એસ્ટેટ ક્ષેત્રની કંપનીઓમાં મિડકૅપ - સ્મોલકૅપ શૅરોમાં ધીમી લેવાલી આવી હોવાનું અગ્રણી દલાલ સૂત્રોએ જણાવ્યું હતું.
કેન્દ્ર સરકારે ખાણ ક્ષેત્રે ખાનગી લાઈસન્સ માટેની રોયલ્ટી નક્કી કરવા કમિટીની રચના કરી છે. જેથી જાહેર ક્ષેત્રની કોલ ઇન્ડિયા અને એનએમડીસીના ભાવમાં રોજિંદગી વધઘટ તીવ્ર બનતી જાય છે. ટેક્નિકલ નિષ્ણાતોના અનુમાન પ્રમાણે નિફટીમાં વધઘટે હવે ઉપરમાં 12350 અને 12400નો પ્રતિકાર ઝોન અતિ કટોકટીભર્યો રહેશે. આજે નિફટી ઉપરમાં 12336થી પાછો પડયો હતો તે નોંધનીય ગણાય. નિફટીના અગ્રણી 36 શૅરના સુધારા સામે 14 ઘટાડે રહ્યા હતા.
વૈશ્વિક-એશિયાનાં બજાર
આજે અઠવાડિયાના પ્રથમ દિવસે એશિયાનાં બજારોમાં તેજીનો જુવાળ આવતા 19 મહિનાની ટોચ આવી હતી. અમેરિકા-ચીનના ટ્રેડ કરાર નક્કી થવાના સંકેતથી એશિયાનો મુખ્ય એમએસસીઆઈ બ્રોડેસ્ટ ઈન્ડેકસ 0.61 ટકા અને હૉંગકૉંગમાં હૅંગસૅંગ 0.95 ટકા ઊંચે બંધ હતા. દક્ષિણ કોરિયામાં કોસ્પીમાં 1 ટકો વધ્યો હોવા સાથે યુરો સ્ટોકસ-600 મજબૂત રહ્યો હતો.
Published on: Tue, 14 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer