રિલાયન્સ ઈન્ડ.ના નવા એમડી મનોજ મોદી કે મેસવાની ?

રિલાયન્સ ઈન્ડ.ના નવા એમડી મનોજ મોદી કે મેસવાની ?
નિખીલના નાના ભાઈ હિતલ અને પીએમએસ પ્રસાદ પણ સંભવિત યાદીમાં 
નવી દિલ્હી, તા. 13 : માર્કેટ નિયામક સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ અૉફ ઈન્ડિયા (સેબી) દ્વારા કોર્પોરેટ લિસ્ટેડ કંપનીના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટરના હોદ્દા અલગ કરવાના આદેશનો અમલ થાય તો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ)ના નવા એમડી જાહેર થશે. તે મુજબ સીએમડી મુકેશ અંબાણી નોન એક્ઝિક્યુટિવ ચૅરમૅન થશે જ્યારે અંબાણી પરિવારથી બહારના સભ્ય પહેલીવાર કંપનીના ઈતિહાસમાં એમડી થશે એવી ધારણા છે. તેમાં રિલાયન્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર નિખીલ મેસવાની તેમ જ સીઈઓ જેવી કામગીરી બજાવતા અને મુકેશ અંબાણીના `રાઈટ હેન્ડ' ગણાતા મનોજ મોદીનાં નામ નવા એમડી તરીકે અગ્રેસર છે.
અન્ય બે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ, નિખીલના નાના ભાઈ હિતલ અને પીએમએસ પ્રસાદ પણ સંભવિત યાદીમાં છે.
90ના દાયકાના મધ્યથી અંત સુધી મેસવાની સભ્યો અને મુકેશ અંબાણીના પિતરાઈ રિલાયન્સના બોર્ડ ઉપર હતા. ધીરુભાઈ અંબાણીએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની સ્થાપના કરી ત્યારે મેસવાનીના પિતા રસીકલાલ મેસવાની પણ કંપનીના સ્થાપક સભ્યોમાં હતા.
મનોજ મોદી કંપનીના બોર્ડમાં નથી અને સિનિયર એક્ઝિક્યુટિવનો હોદ્દો પણ ધરાવતા નથી પરંતુ રિલાયન્સના ટોચના અધિકારીઓમાં તેમનું સ્થાન સૌથી મહત્ત્વનું છે.
સેબીએ તમામ લિસ્ટેડ કંપનીઓને તેમના એમડી અને સીઈઓના હોદ્દાને અલગ કરવાની અને એમડીના હોદ્દા ઉપર પરિવારના સભ્ય અથવા સગાં સંબંધીઓને નહીં લેવાની સૂચના આપી છે.
Published on: Tue, 14 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer