વરસાદી માહોલ વચ્ચે ઉત્તરાયણમાં પવનની ગતિ 15થી 20 કિમી

પતંગરસિયાઓની સાથે ખેડૂતો ચિંતાતુર 
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 13 : રાજ્યમાં લાખો પતંગ રસિયાઓ ઉત્તરાયણ ઉજવણીની તૈયારી કરી લીધી છે ત્યારે આજે પવન પડી ગયો હોવાથી તેમની મઝા બગડે તેવા ચાન્સ વધી જતા પતંગર સિયાઓ ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. જોકે આવતી કાલે ઉત્તરાયણના દિવસે વાતાવરણ સ્વચ્છ રહેશે અને પવનની ગતિ 15થી 20 કિમીની રહી શકે છે, તેવી આગાહી હવામાન વિભાગના ડિરેકટર જયંત સરકારે કરી છે. આ ઉપરાંત ઉત્તરાયણના દિવસથી ઠંડીમાં આવતી કાલથી વધારો થશે, એમ પણ તેમણે ઉમેર્યું હતું. 
બીજી તરફ આજરોજ સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને વરસાદી માહોલ જોવા મળ્યો હતો. રાજ્યમાં ક્યાંક ધુમ્મસ તો કયાંક વરસાદી માહોલાની સાથે સાથે પવનની સ્પીડ પણ ઓછી  જોવા મળતી હતી.  બનાસકાંઠાના દિયોદર અને ભાભર પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો છે. વરસાદને લઇને પતંગર સિયાઓની સાથે સાથે ખેડૂતો પણ ચિંતાતુર બન્યા છે. ખેડૂતોને રવીપાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠાના ખેડૂતો પહેલા કમોસમી વરસાદ, બાદમાં તીડનો ત્રાસ અને હવે ફરી માવઠાનો માર સહન કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. 
પ્રાપ્ત માહિતી અનુસાર, ગત મોડી રાત્રે સૌરાષ્ટ્રમાં દ્વારકા જિલ્લાના કેટલાક વિસ્તારના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ત્યાર બાદ દ્વારકા અને ખંભાળીય પંથકમાં વરસાદ પડયો હતો. આ સાથે મોરબી, નાની વાવડી, સનાળા, રવાપર, જેતપુર, માળિયાના વેણાસર, ખાખરેચી, કંભારિયા, હળવદના માણગઢ, ટીકર, અજીતગઢ, ક્છના નખત્રાણા, ગાંધીધામ, માધાપુર, આદિપુર, નલિયા, અંજાર, ઉપરાંત પોરબંદર, જૂનાગઢ અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ જોવા મળ્યો હતો. માવડનાના કારણે ખેડૂતોએ ખેતરમાં વાવેલા ઘઉં, મકાઈ, ચણા, જીરું, ઘાસચારો, વરિયાળી અને શાકભાજી સહિતના પાકને નુકસાન થવાની ખેડૂતો ભીતિ સેવી રહ્યા છે. હજુપણ આગામી બે દિવસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. 
Published on: Tue, 14 Jan 2020

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer