કૉંગ્રેસે બોલાવેલી બેઠકમાં હાજર રહેવાનો ઉદ્ધવ ઠાકરેનો ઇનકાર

પ્રમોદ મુઝુમદાર તરફથી
નવી દિલ્હી, તા. 13 : આજે અત્રે નાગરિકતા સંશોધન કાનૂન (સીએએ) અને નેશનલ રજિસ્ટર અૉફ સિટિઝન્સ (એનઆરસી) વિરુદ્ધમાં દેશભરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે કૅંગ્રેસે વિરોધ પક્ષોની એક બેઠક બોલાવી હતી જેમાં આમ આદમી પાર્ટી, બસપા, ડીએમકે, તૃણમૂલ કૉંગ્રેસ અને શિવસેના જેવા પક્ષો હાજર રહ્યા નહોતા અને તેને કારણે વિપક્ષી એકતા તૂટવાના આસાર નજરે પડી રહ્યા છે.
જ્યાં સુધી મહારાષ્ટ્રની વાત છે તો શિવસેનાના નેતૃત્વમાં કૅંગ્રેસ અને એનસીપીની મિશ્ર સરકાર સત્તામાં આવ્યા બાદ શિવસેનાનું વલણ અને વર્તન બદલાઈ ગયું હોય એવું લાગી રહ્યું છે. મહારાષ્ટ્રમાં તો કૉંગ્રેસ અને એનસીપીની મદદથી અને સહયોગથી મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સત્તા સંભાળી લીધી, પરંતુ દિલ્હીમાં કૉંગ્રેસ પાર્ટીની બેઠકમાં હાજર રહેવાનો ઇનકાર કરી દીધો અને ઉદ્ધવે સોનિયાથી અંતર બનાવી લીધું હતું.
શિવસેનાના સાંસદ વિનાયક રાવતના જણાવ્યા મુજબ કૉંગ્રેસ તરફથી આવી કોઈ બેઠકની તેમને કોઈ સૂચના મળી નથી.
શિવસેનાએ બહુચર્ચિત સીએએના પક્ષમાં લોકસભામાં મોદી સરકારનું સમર્થન કર્યું, પરંતુ રાજ્યસભામાં યુ ટર્ન લઈને વોકઆઉટ કર્યું હતું. બીજી તરફ કૉંગ્રેસના મહારાષ્ટ્રના નેતાઓ દ્વારા રાજ્યમાં સીએએ અને એનઆરસીનો અમલ નહીં કરાવવા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે પર દબાણ કરવામાં આવી રહ્યંy છે.
ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સહિત ભાજપના અન્ય નેતાઓ લગાતાર શિવસેનાનું નામ લીધા વિના એવો આરોપ લગાવી રહ્યા છે કે, મહારાષ્ટ્ર સરકાર દિલ્હીસ્થિત માતોશ્રી અર્થાત્ કૉંગ્રેસપ્રમુખ સોનિયા ગાંધીના ઈશારે ચાલી રહી છે. શિવસેના પોતાની હિન્દુત્વની રાજનીતિ પણ બચાવવા માગે છે એટલે તે આજની દિલ્હીની આ બેઠકથી દૂર રહી છે.
Published on: Tue, 14 Jan 2020

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer