ટ્રાઈના નવા દર છતાં સ્પોર્ટ્સ-ન્યૂઝ ચૅનલો જોનારાઓની સંખ્યા વધી

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 13 : વર્ષ 2019માં ટ્રાઈએ નવા દર અમલમાં મૂક્યા છે. ટીવીના દર્શકોમાં વધારો જોવા મળ્યો હતો એવું બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલના ડેટા પરથી સ્પષ્ટ થાય છે.
ખાસ કરીને ન્યૂઝ અને સ્પોર્ટ્સની ચૅનલોના દર્શકો વધુ હતા. ઈન્ડસ્ટ્રીનાં સૂત્રોનું કહેવું છે કે આ પ્રવાહ નવા વર્ષમાં પણ જોવા મળી શકે છે. આનું કારણ ટી-20 વર્લ્ડ કપ, દિલ્હીની વિધાનસભાની ચૂંટણી અને નેશનલ પોપ્યુલેશન રજિસ્ટરનું અમલીકરણ છે.
બ્રોડકાસ્ટ અૉડિયન્સ રિસર્ચ કાઉન્સિનું કહેવું છે 2019માં મોટી મોટી સ્પોર્ટ્સની ઈવેન્ટ્સ યોજાઈ હતી. ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) અને ક્રિકેટ વર્લ્ડ કપ ગયા વર્ષે યોજાઈ હતી. રમતગમતની મોટી સ્પર્ધા ઉપરાંત મહત્ત્વના સમાચારોએ પણ દર્શકોને આકર્ષયા હતા. ઉદાહરણ તરીકે લોકસભાની ચૂંટણીનાં પરિણામ, પુલવામાં આતંકવાદી હુમલો અને 370મી કલમને રદ કરવાના સમાચારો લોકોના રસના વિષયો રહ્યા હતા.
આઈપીએલ યોજાઈ ત્યારે જ ટીવી ચૅનલોના નવા દર અમલમાં આવ્યા હતા. એ ઉપરાંત કોન બનેગા કરોડપતિ અને બિગ બોસ પણ લોકપ્રિય ટીવી કાર્યક્રમો રહ્યા હતા. આઈપીએલના દર્શકોમાં તો 11 ટકાનો વધારો જોવા મળ્યો હતો.
આઈપીએલ 2018ની મૅચો 14.2 અબજ લોકોએ ટીવી પર માણી હતી જ્યારે 2019માં આઈપીએલના દર્શકોની સંખ્યા 15.8 અબજની થઈ ગઈ હતી. આ ટુર્નામેન્ટ આઠ જુદી જુદી ભાષામાં પ્રસારિત કરાતી હોવાને લીધે દર્શકોમાં વધારો નોંધાયો હોઈ શકે છે.
એ જ રીતે 2018માં મોટા મોટા મહત્ત્વના સમાચારોનું પણ પ્રભુત્વ રહ્યું હતું. પુલવામાં અને બાલાકોટ હુમલા તથા લોકસભાની ચૂંટણી સમાચાર જોનાર દર્શકોની સંખ્યા 4.8 અબજને પાર કરી ગઈ. ટ્રાઈના ભાવવધારા છતાં 2019માં દર્શકોની સંખ્યામાં વધારો થયો હતો.
કોન બનેગા કરોડપતિ અને બિગ બોસ જેવા કાર્યક્રમોની વાત કરીએ તો એના દર્શકોની સંખ્યામાં અનુક્રમે ચાર અને નવ ટકાનો વધારો જોવા મળ્યો હતો.
સ્પોર્ટ્સ, ન્યૂઝ, કોન બનેગા કરોડપતિ અને બિગ બોસ ઉપરાંત દર્શકો રોજ મનોરંજન ચૅનલ માટે ખાસ પસંદગી કરી હતી. રોજ ચારથી પાંચ મનોરંજન ચૅનલો જોવાને બદલે બે કે ત્રણ ચૅનલ જોવાનું પસંદ 2019માં કર્યું હતું. 2020માં પણ દર્શકો બે કે ત્રણ મનોરંજન ચૅનલો જોવાનું ચાલુ રાખે એવી શકયતા છે.
બ્રૉડકાસ્ટરો કબૂલે છે કે ટ્રાઈના નવા દર અમલમાં આવ્યા એ પછી અમે સવાથી દોઢ કરોડ સબક્રાઈબરો ગુમાવ્યા છે. નવા દર વિશે ગ્રાહકોને સમજાવવાનું પણ એકદમ અઘરું થઈ ગયું હતું.
Published on: Tue, 14 Jan 2020

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer