કાળીપીળી ટૅક્સી ઉપર ત્રણ રંગનાં રુફટોપ ઇન્ડિકેટર લાગશે

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 13 : મહારાષ્ટ્રના વાહનવ્યવહાર ખાતાએ મુંબઈમાં રજિસ્ટર થયેલી કાળીપીળી ટૅક્સીઓ ઉપર રુફટોપ ઇન્ડિકેટર બેસાડવાનો નિર્ણય લીધો છે. તેના કારણે ટૅક્સી ડ્રાઈવરો દ્વારા ભાડું નકારવાની ઘટનાઓ ઘટશે એવી આશા છે.
ટ્રાન્સપોર્ટ કમિશનર શેખર ચન્નેએ રોડ સેફ્ટી વીક નિમિત્તે યોજાયેલા કાર્યક્રમ પછી પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર સરકારે ટૅક્સીઓ ઉપર ઈન્ડિકેટર બેસાડવા અંગેનું નોટિફિકેશન અગાઉ જ બહાર પાડી દીધું છે. મહારાષ્ટ્ર સરકારે સંબંધિત રિજનલ ટ્રાન્સપોર્ટ અૉથોરિટીઓને જાન્યુઆરીના અંત સુધીમાં ટૅક્સી ઉપર ઈન્ડિકેટર બેસાડવાની તારીખ નક્કી કરવાનું કહી દીધું છે. ઉપરાંત અૉટો રિક્ષા ઉપર રુફટોપ ઈન્ડિકેટર બેસાડવાની તારીખ નક્કી કરવાની સત્તા ટ્રાન્સપોર્ટ કમિશનરોને આપવામાં આવી છે એમ ચન્નેએ ઉમેર્યું હતું.
રાજ્ય સરકારના આદેશ અનુસાર ટૅક્સીઓ ઉપર લીલી, લાલ અને સફેદ રંગની એલઈડી લાઈટ્સ બેસાડવામાં આવશે. નોટિફિકેશન અનુસાર ટૅક્સી ભાડાં માટે ઉપલબ્ધ હોય ત્યારે લીલી લાઈટ, ભાડાં ઉપર હોય ત્યારે લાલ લાઈટ અને ભાડાં માટે ઉપલબ્ધ ન હોય ત્યારે સફેદ લાઈટ દેખાડાશે.
મુંબઈમાં કાળીપીળી ટૅક્સીની સંખ્યા 43,500 છે. જ્યારે રિક્ષાની સંખ્યા 2.05 લાખ છે. જ્યારે મહારાષ્ટ્રમાં ટૅક્સીની સંખ્યા 65,591 છે અને રિક્ષાની સંખ્યા 9.75 લાખ છે. હાલ મહારાષ્ટ્રમાં કાળીપીળી ટૅક્સી અને રિક્ષાઓ ઉપર ઈન્ડિકેટર મૂકવાનું ફરજિયાત નથી. કેટલીક ટૅક્સીઓ ઉપર પીળા રંગના ઈન્ડિકેટર હોય છે. 
અહીં ઉલ્લેખનીય છે કે વર્ષ 2012માં આ યોજનાની દરખાસ્ત ઘડવામાં આવી હતી. બાદમાં ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે જાન્યુઆરી, 2014માં તે વિશે નાગરિકો પાસેથી વાંધા અને સૂચનો મંગાવ્યાં હતાં.
Published on: Tue, 14 Jan 2020

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer