અર્થતંત્ર શા માટે નિષ્ફળ છે તેનો જવાબ વિદ્યાર્થીઓને આપવા

અર્થતંત્ર શા માટે નિષ્ફળ છે તેનો જવાબ વિદ્યાર્થીઓને આપવા
વડા પ્રધાનને રાહુલનો પડકાર
અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 13 : અર્થતંત્રની નિષ્ફળતા અને તેને કારણે ઊભી થયેલી બેરોજગારીથી જ્યાં વિદ્યાર્થીઓમાં રોષ વ્યાપેલો છે એવું જણાવીને ભારતની કોઈ પણ યુનિવર્સિટીની મુલાકાત લેવાનો કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન મોદીને પડકાર ફેંક્યો હતો. `યુવાનોનો અવાજ વ્યાજબી છે અને તેને સાંભળવો જોઇએ' એમ દેશભરમાં વિદ્યાર્થીઓનાં વ્યાપક વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીએ જણાવ્યું હતું.
દિલ્હી ખાતે વિરોધ પક્ષોની બેઠક બાદ પત્રકારોને સંબોધતાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, અર્થતંત્ર શા માટે નબળું પડયું છે. એ યુનિવર્સિટીના યુવાનોને કહેવાની મોદી પાસે હિંમત હોવી જોઇએ. એમ કરવાની તેમનામાં હિંમત નથી. દેશ સાથે તેઓ શું કરવા માગે છે એ લોકોને કહેવાનો હું તેમને પડકાર ફેંકું છું. યુવાનોની સમસ્યાઓ તરફ ધ્યાન આપવાને બદલે વડા પ્રધાન ભાગલાવાદી નીતિઓને અનુસરી રહ્યા છે એમ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ પર આકરા પ્રહારો કરતાં કૉંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ તેમના પર સીએએ અને એનઆરસી અંગે લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ મૂક્યો હતો અને એવો દાવો કર્યો હતો કે, વહીવટ કરવાની અને લોકોને સુરક્ષા પૂરી પાડવાની આ સરકારની અશક્તિ ખુલ્લી પડી ગઈ છે.
દેશ અસાધારણ મુશ્કેલીનો ભોગ બન્યો હોવાનું જણાવીને સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, સરકારે દમનની નીતિ અપનાવી છે અને સાંપ્રદાયિક તર્જ પર લોકોમાં વિભાજન કરવાનો પ્રયાસ કર્યો છે.
`રાષ્ટ્રે જેએનયુ ખાતે ભાજપ પ્રેરિત હુમલાની ભયાનકતાને જોઇ છે.' એમ સોનિયાએ જણાવ્યું હતું.
સરકારના આવા ઇરાદાઓને નિષ્ફળ બનાવવા એકઝૂટ થવાની તેમણે વિપક્ષોને અરજ કરી હતી.
`વડા પ્રધાન અને ગૃહપ્રધાને સીએએ અને એનઆરસી અંગે લોકોને ગેરમાર્ગે દોરવ્યા છે. તેમનાં નિવેદનો વિરોધાભાસી રહ્યાં છે' એમ સોનિયાએ જણાવ્યું હતું.
દેશના ઘણા વિસ્તારો અને ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં વિદ્યાર્થીઓ અને યુવાનોને નિશાન બનાવવામાં આવ્યા છે અને વસ્તીના મોટા વર્ગને હેરાન કરવામાં આવ્યો છે એમ સોનિયાએ વધુમાં જણાવ્યું હતું.
સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે, આસામમાં એનઆરસીનો પાસો ઊલટો પડયા બાદ મોદી-શાહની સરકાર હવે એનપીઆર (નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર) પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે અને તેની થોડા મહિનામાં શરૂઆત થવાની છે. દેશ સામેની ખરી સમસ્યા અર્થતંત્રની અને આર્થિક મંદીની છે.
આ બેઠકમાં એનસીપીના વડા શરદ પવાર, પ્રફુલ પટેલ, ડાબેરી નેતાઓ સીતારામ યેચુરી અને ડી. રાજા, જેએમએમના નેતા હેમંત શોરેન, એલજેડીના વડા શરદ યાદવ, રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીના નેતા ઉપેન્દ્ર કુશવાહા, આરજેડીના નેતા મનોજ ઝા, નેશનલ કૉન્ફરન્સના હસનૈન મસુદી, કૉંગ્રેસના રાહુલ ગાંધી, ગુલામનબી આઝાદ, અહમદ પટેલ, ડૉ. મનમોહનસિંઘ વગેરે હાજર રહ્યા હતા.
Published on: Tue, 14 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer