હિમાચલ-કાશ્મીરમાં હિમવર્ષા યથાવત્

હિમાચલ-કાશ્મીરમાં હિમવર્ષા યથાવત્
નવી દિલ્હી, તા. 13 : ઉત્તર ભારતની સાથેસાથે દેશભરમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. જોરદાર હિમવર્ષા અને કોલ્ડવેવના કારણે ઉત્તરભારત ઠંડુગાર થઇ ગયું છે. બીજીબાજુ હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે, ભારે હિમવર્ષા અને વરસાદ હાલમાં જારી રહી શકે છે. જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયેલું છે.  
હિમવર્ષા અને કાતિલ ઠંડી વચ્ચે માતા વૈષ્ણોદેવી મંદિર માટે હેલિકોપ્ટર સેવાને બંધ કરવાની ફરજ પડી છે. જમ્મુ કાશ્મીરના નિવાસી જિલ્લામાં ભારે હિમવર્ષાના કારણે હાલત કફોડી બની ગઈ છે. બીજીબાજુ હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા જારી છે. રાજ્યના કેલાંગ વિસ્તારમાં 20 સેમી બરફ પડતાં જનજીવન ખોરવાઈ ગયું છે. ચારેબાજુ બરફના થર જામી ગયા છે. પંજાબ, હરિયાણા અને રાજસ્થાન તેમજ ઉત્તરપ્રદેશ કાતિલ ઠંડીના સકંજામાં છે અને લઘુત્તમ તાપમાનમાં ઉલ્લેખનીય ઘટાડો થઇ રહ્યો છે. જો કે, હવામાન વિભાગે 13મી જાન્યુઆરી બાદ સ્થિતિમાં સુધારો થશે તેવી વાત કરી છે.

Published on: Tue, 14 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer