નિર્ભયા કેસ એકસાથે ચારને ફાંસી આપી દાદાનો વિક્રમ તોડશે પૌત્ર

નિર્ભયા કેસ એકસાથે ચારને ફાંસી આપી દાદાનો વિક્રમ તોડશે પૌત્ર
મેરઠના `જલ્લાદ' પરિવારની ચોથી પેઢીના પવન જલ્લાદ પોતાની પહેલી ફાંસી માટે તૈયાર
મેરઠ, તા.13 : પિતા અને દાદાના વારસામાં કોઈને સંપત્તિ મળે, તો કોઈને સારા સંસ્કાર. પણ  ઉત્તરપ્રદેશના મેરઠ શહેરમાં આ બધાં કરતાં સાવ અલગ જ, એક વ્યક્તિને વારસામાં `જલ્લાદી' મળી છે. ચર્ચા છે કે હવે એક જ પરિવારના પવન જલ્લાદ (ચોથી પેઢી) નિર્ભયા કેસના ચાર દોષેને તિહાર જેલમાં ફાંસી આપશે. 22 જાન્યુઆરીએ સવારે 7 વાગ્યે ચારેય દોષિતને ફાંસી આપવામાં આવશે અને તેની તૈયારી પણ ચાલી રહી છે. 
દેશમાં આ પરિવારને ફાંસી આપનારાઓના પરિવાર તરીકે ઓળખવામાં આવે છે. 1950-60ના દાયકામાં કુટુંબની પહેલી પેઢીના વડા લક્ષ્મણ દેશમાં `મુન્સિફો' (અદાલતો) દ્વારા દોષિત અપરાધીઓને ફાંસી આપતો હતો. હવે તે જ લક્ષ્મણનો જલ્લાદનો પ્રપૌત્ર, એટલે કે લક્ષ્મણ જલ્લાદના સ્વ. પુત્ર કાલુરામ જલ્લાદના પુત્રનો પુત્ર (ચોથી પેઢી), પવન જલ્લાદ જીવનની પહેલી ફાંસી આપવાનો તૈયારી કરી રહ્યો છે.
પવન જલ્લાદે આ અગાઉ આશરે પાંચ ફાંસી દરમ્યાન દાદા કાલુરામને મદદ કરી હતી. તે પાંચ ફાંસી લગાવવા દરમિયાન પવને દાદા કાલુરામ પાસેથી ફાંસીની ઝીણી ઝીણી વાતો શીખી હતી. હવે નિર્ભયાના ચારે હત્યારાઓને ફાંસીએ લટકાવવા એ પવનનો દોષિતોને પોતાની રીતે દોષિતોને ફાંસી આપવાનો જીવનનો પહેલો અનુભવ રહેશે. પવને કહ્યું હું એકદમ તૈયાર છું. આ મારા પૂર્વજોના આશીર્વાદ જ છે કે તેઓએ તેમના આખા જીવનમાં એક વખત કે વધુમાં વધુ બે અપરાધીને ફાંસી આપી હશે પણ હું મારી જિંદગીની પહેલી ફાંસીમાં જ એક સાથે ચાર-ચારને લટકાવવાનો છું.
Published on: Tue, 14 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer