વડા પ્રધાન મોદીની શિવાજી સાથે તુલના અપમાનજનક સંજય રાઉત

વડા પ્રધાન મોદીની શિવાજી સાથે તુલના અપમાનજનક સંજય રાઉત
મુંબઈ, તા.13 (પીટીઆઈ) : વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને છત્રપતિ શિવાજી મહારાજની તુલના અપમાનજનક હોવાથી ભાજપના નેતા જય ભગવાન ગોયલના પુસ્તક `આજ કે શિવાજી : નરેન્દ્ર મોદી' પર પ્રતિબંધ મુકવાની માગણી કરતા શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે આ પુસ્તક સંબંધે છત્રપતિ શિવાજી મહારાજના વંશજોએ પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઇએ. પત્રકારો સાથેની વાતચીતમાં રાઉતે કહ્યું હતું કે શિવાજી મહારાજ સાથે કોઈ પણની સરખામણી સ્વીકાર્ય નથી અને આ બુક વડા પ્રધાનને ખુશ કરવા માટે કોઈ ખુશામતિયાઓએ લખાવી હોવાનું લાગે છે. આ પુસ્તક સાથે પાર્ટીને કોઈ લેવાદેવા નથી એવું ભાજપે જાહેર કરવું જોઇએ. કેમ કે વીર સાવરકર સહિતના પ્રખર હિંદુત્વવાદીઓના વિવાદમાં ભાજપ હંમેશા આક્રમક રહે છે તેથી શિવાજી મહારાજ સાથે જોડાયેલા મુદ્દે તો ભાજપે વલણ સ્પષ્ટ કરવું જ જોઇએ. રાજ્યમાં સત્તાધીશ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની શિવસેના, કૉંગ્રેસ અને એનસીપીની સહિયારી મહાવિકાસ આઘાડી સરકારે આ પુસ્તકની ટીકા કરી છે.
રાઉતે કહ્યું હતું કે ભાજપના નેતાએ લખેલું આ પુસ્તક વાંધાજનક છે. ભાજપે એ સ્પષ્ટતા કરવી જોઇએ કે તે મોદીને શિવાજી જેટલા મહાન માને છે કે કેમ? વડા પ્રધાન મોદીને અમે પણ સન્માન આપીએ છીએ પરંતુ શિવાજી સાથે કોઈ પણની તુલના અસ્વીકાર્ય છે. શિવાજીના વંશજોએ પણ સ્પષ્ટતા કરવી જોઇએ કે મોદીની શિવાજી મહારાજ સાથેની તુલના કરવાનું તેમને ગમે છે કે નહીં? આ બુક મોદીની ખુશામત માટે કોઈ ખુશામતખોરે લખ્યું હોવાનું લાગી રહ્યું છે.

Published on: Tue, 14 Jan 2020

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer