પાલિકાએ ભૂલેશ્વર-કાલબાદેવીમાં છેલ્લા પખવાડિયામાં 12થી વધુ ચીમનીઓ તોડી

પાલિકાએ ભૂલેશ્વર-કાલબાદેવીમાં છેલ્લા પખવાડિયામાં 12થી વધુ ચીમનીઓ તોડી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 13 : ભૂલેશ્વર અને કાલબાદેવી રોડના રહેવાસીઓને ત્રાસરૂપ સુવર્ણકારોના ગેરકાયદે કારખાનાઓની ઝેરી ધુમાડા ઓકતી ચીમનીઓ સામે પાલિકાની કાર્યવાહી મંથર ગતિએ પણ ત્રુટક-ત્રુટક ચાલી રહી છે. આજે સી વૉર્ડની ટીમે પોલીસ રક્ષણ સાથે કાલબાદેવી રોડ પર દિગંબર જૈન દેરાસર પાછળ આવેલી એક બિલ્ડિંગ પરની પાંચ ચીમનીઓ તોડી પાડી હતી.
ભૂલેશ્વર અને કાલબાદેવી વિસ્તારમાં આ ત્રાસ સામે છેલ્લા બે દાયકાથી લડતા ભૂલેશ્વર રેસિડેન્ટ ઍસોસિયેશન અને વેપારી મંડળના પ્રતિનિધિ હરકિસનભાઇ ગોરડિયાએ કહ્યું હતું કે ત્રણેક મહિનાથી પાલિકાની કાર્યવાહી ઠંડી હતી પરંતુ છેલ્લા દસેક દિવસથી પાલિકાની તોડકામ ટીમ આ વિસ્તારમાં પોલીસ રક્ષણ હેઠળ ચીમનીઓ તોડવાની કામગીરી કરી રહી છે. સટ્ટા ગલી, કવિ નિરવ લેન અને આજે કાલબાદેવી રોડ પરના આ દેરાસરની પાછળના ભાગે મળી પાલિકાએ છેલ્લા પખવાડિયાંમાં પંદરેક ચીમનીઓ તોડી પાડી છે. જોકે, પાલિકાની ટીમ ચાલી ગયા બાદ બે-ચાર દિવસમાં જ ફરીથી ચીમનીઓ ઊભી થઈ જાય છે, એ આ વિસ્તારની કમનસીબી છે, એમ પણ ગોરડિયાએ કહ્યું હતું. 
ગોરડિયાના જણાવ્યા પ્રમાણે ઍસોસિયેશનના પ્રતિનિધિઓ દર મહિને પાલિકાના કાર્યાલયમાં જઇને રજૂઆત પણ કરે છે અને પ્રશાસનને આ કાર્યવાહી ઝડપી કરવાની અપીલ પણ કરે છે. જોકે, પોલીસ અન્ય કામગીરીમાં રોકાયેલી હોવાથી પાલિકાની ટીમ રોજ આ કામગીરી નથી કરી શકતી એવું પાલિકા જણાવે છે. આવતી કાલે મંગળવારે સવારે સી વૉર્ડના સહાયક પાલિકા કમિશનર ચક્રપાણી અલ્લે આ વિસ્તારની મુલાકાતે આવી રહ્યા છે તેથી એમણે સમય મળ્યે અમને પણ મળવાનું કહ્યું છે. જો પાલિકાના મોટા અધિકારી અમને મળવા આવશે તો તેમને અમારા વિસ્તારની આ હાલાકી નજરે બતાડવાનો પ્રયાસ કરીશું, એમ ગોરડિયાએ કહ્યું હતું.
Published on: Tue, 14 Jan 2020

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer