સબરીમાલા કેસની સમીક્ષા નહીં સુપ્રીમ કોર્ટ

સબરીમાલા કેસની સમીક્ષા નહીં સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી, તા.13: દેશના મુખ્ય ન્યાયમૂર્તિ (સીજેઆઈ) શરદ એ. બોબડેના વડપણવાળી 9 જજની બેચે આજે જણાવ્યુ હતું કે તેનો ઉદ્દેશ સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ અંગેના કેસની સમીક્ષા કરવાનો નથી, પરંતુ કાયદામાંના મોટા મુદ્દાઓ, જેમ કે મસ્જિદ અને મંદિરમાં મહિલાના પ્રવેશ પર નિષેધથી લઈ દાઉદી વ્હોરાનોમાંના સુન્નત અને આંતરજ્ઞાતિય લગ્ન કરનાર પારસી મહિલાને અગિયારીમાં પ્રવેશનિષેધ વ. બાબતો ચકાસવાનો છે.  મસ્જિદ-મંદિરમાં નારીપ્રવેશનિષેધ, દાઉદી વ્હોરાઓમાં સુન્નતની છૂટ અને આંતરજ્ઞાતિય લગ્ન કરનાર પારસી મહિલાનો અગિયારીપ્રવેશ રોકતી ધાર્મિક માન્યતાઓની કાયદેસરતા અને આવશ્યકતા બેન્ચ ચકાસશે. બેન્ચે જો કે એ સ્પષ્ટતા કરી હતી કે તે ઈસ્લામમાંના બહુપત્નીત્વ અને નિકાહ હલાલા જેવા પ્રશ્નોના કાયદેસરતામાં જશે નહીં.
બોબડેએ છણાવટ કરી હતી કે ગઈ 14 નવેમ્બરે પાંચ જજની બેન્ચે મોટી બેન્ચને જે 7 પ્રશ્નો રીફર કર્યા છે તે બેન્ચની અદાલતી તપાસનો આધાર છે. બહુવિધ ધર્મ સંબંધે રીફર કરાયેલા ઉકત પ્રશ્નો ચકાસવા સીજેઆઈએ 7ને બદલે 9 જજોની બેન્ચ રચી છે.કેસમાં સંકળાયેલા ધારાશાત્રીઓને સીજેઆઈએ 9 જજની બેન્ચે ચકાસવાના પ્રશ્નોને રીફ્રેમ/ઉમેરો કરવા 17મીએ કોન્ફરન્સ યોજી લેવા તાકીદ કરી છે. કોર્ટે 3 સપ્તાહ બાદ સુનાવણી ઠરાવી છે.

Published on: Tue, 14 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer