મુખ્ય પ્રધાનોને NPRની ગણતરી સસ્પેન્ડ કરવાની હાકલ

મુખ્ય પ્રધાનોને NPRની ગણતરી સસ્પેન્ડ કરવાની હાકલ
સોનિયાએ બોલાવેલી બેઠકમાં છ મહત્ત્વના વિપક્ષોની ગેરહાજરી
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 13 : ``પ્રતિકારનો જુસ્સો જાગી ઊઠયો છે'' એવી ઘોષણા કરીને કૉંગ્રેસની આગેવાનીમાં વિપક્ષોએ નાગરિકતા (સુધારિત) કાયદો રદ કરવાની અને નેશનલ રજિસ્ટર અૉફ સિટિઝન્સ (એનઆરસી)/ નેશનલ પોપ્યુલેશન રજિસ્ટરને ``તત્કાળ'' રોકવાની એવી ભૂમિકા પર હાલક કરી હતી કે આ ``પૅકેજ'' ગેરબંધારણીય છે અને ગરીબો તથા કચડાયેલા લોકોને નિશાન બનાવે છે.
વીસ પક્ષોએ આ બેઠકમાં હાજરી આપી હતી અને એવો આક્ષેપ કરતો ઠરાવ પસાર કરાયો હતો કે કોમવાદી ધ્રુવીકરણને તીવ્ર બનાવવાના ખતરનાક માર્ગ પર ભાજપ આગળ વધી રહ્યો છે.
સંયુક્ત ઠરાવમાં એમ પણ જણાવાયું છે કે જે મુખ્ય પ્રધાનોએ તેમના રાજ્યમાં એનઆરસીનો અમલ નહીં કરવાની જાહેરાત કરી છે એ તમામ મુખ્ય પ્રધાનોએ તેમના રાજ્યમાં નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (એનપીઆર)ની ગણતરી સસ્પેન્ડ કરવાનું પણ વિચારવું જોઈએ.
ઠરાવમાં ત્રણ તારીખોએ શાંતિપૂર્વક અને યોગ્યપણે બંધારણનો બચાવ કરવાની અને ધર્મનિરપેક્ષ લોકતાંત્રિક પ્રજાસત્તાકનું રક્ષણ કરવા જણાવાયું છે. આ તારીખો 23 જાન્યુઆરી (સુભાષ ચંદ્રબોઝની જન્મતિથિ), 26 જાન્યુઆરી (પ્રજાસત્તાક દિન) અને 30 જાન્યુઆરી (મહાત્મા ગાંધીની શહાદતનો દિવસ) છે.
નાગરિકતા કાયદો અને નેશનલ રજિસ્ટર અૉફ સિટિઝન્સ વિરુદ્ધ વિપક્ષોની સંયુક્ત લડતને એક મોટા ફટકામાં છ મહત્ત્વના વિરોધ પક્ષો કૉંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ બોલાવેલી બેઠકમાં હાજર નહોતા રહ્યા. આ છ પક્ષોમાં તૃણમૂલ કૉંગ્રેસ, બહુજન સમાજ પક્ષ, શિવસેના, દ્રવિડ મુનેત્ર કળગમ, આમ આદમી પાર્ટી અને સમાજવાદી પક્ષનો સમાવેશ થાય છે. જોકે, નામોશી થતી ટાળવા માટે કૉંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે ગેરહાજર રહેલા પક્ષોએ નાગરિકતા કાયદો અને નેશનલ રજિસ્ટર અૉફ સિટિઝન્સ વિરુદ્ધ તેમની અસંમતિ અગાઉથી વ્યક્ત કરી છે અને તેમના અગાઉથી નક્કી કાર્યક્રમોને કારણે તેઓ બેઠકમાં હાજર નહીં રહ્યા હોવા છતાં આ મુદ્દે અમને ટેકો આપી રહ્યા છે.
ગેરહાજર રહેલા પક્ષો તેમના સંબંધિત રાજ્યોમાં તેમના રાજકીય હિતોને ધ્યાનમાં રાખીને કૉંગ્રેસથી અંતર જાળવી રહ્યા છે અને આ વિવાદાસ્પદ કાયદા સામેના વિરોધમાં તેમનાથી આગળ વધી જવાની કોઈ પણ તક કૉંગ્રેસને પૂરી પાડવા નથી માગતા.
સોનિયા ગાંધીએ બોલાવેલી બેઠક વિપક્ષોની તાકાતનું પ્રદર્શન બની રહેવાની ધારણા હતી, પરંતુ પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજી અને બહુજન સમાજ પક્ષનાં વડા માયાવતીએ દૂર રહેવાનો નિર્ણય લેતાં બેઠક ઝાંખી પડી ગઈ હતી.
તમિળનાડુમાં કૉંગ્રેસના સાથીપક્ષ દ્રમુકના પ્રમુખ એમ. કે. સ્ટાલિને નાગરિકતા કાયદાનો વિરોધ કર્યો હોવા છતાં બેઠકમાં હાજર નહોતા રહ્યા. સૂત્રોએ જણાવ્યું હતું કે તમિળનાડુમાં કૉંગ્રેસના અમુક સ્થાનિક નેતાઓ દ્વારા કરાયેલી ટિપ્પણોને કારણે દ્રમુક ગુસ્સામાં છે.
આગામી મહિને દિલ્હી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીએ પણ બેઠકમાં હાજરી નહોતી આપી, કારણે કે દિલ્હીમાં તેનો મુકાબલો કૉંગ્રેસ અને ભાજપની સામે છે.
મહારાષ્ટ્રમાં કૉંગ્રેસ સાથે યુતિ કરનારા શિવસેનાના વલણ વિશે પણ ગુંચવાડો હતો, કારણ કે શિવસેનાએ તેને ઔપચારિક રીતે આમંત્રણ અપાયું નહોતું એવું જણાવીને બેઠકમાં હાજરી નહોતી આપી. જોકે, પાછળથી તેણે એવી ચોખવટ કરી હતી કે નાગરિકતા કાયદાનો તેના હાલના સ્વરૂપમાં મહારાષ્ટ્રમાં તે અમલ નહીં કરે.
ગત 8 જાન્યુઆરીએ ભારત બંધ દરમિયાન પશ્ચિમ બંગાળમાં કથિતપણે કૉંગ્રેસ અને ડાબેરીઓ દ્વારા આચરાયેલી હિંસાથી છંછેડાયેલાં મમતા બેનરજી પણ હાજર નહોતાં રહ્યાં અને જણાવ્યું હતું કે કૉંગ્રેસ અને ડાબેરી પક્ષોનાં બેવડાં ધારેણને સાંખી નહીં લેવાય.
દરમિયાન, બહુજન સમાજ પક્ષનાં સૂત્રોએ જણાવ્યું હતું કે કૉંગ્રેસની સાથે મતભેદોને કારણ પક્ષ તેના પ્રતિનિધિને નહીં મોકલે. માયાવતીએ ટ્વીટ કરી હતી કે રાજસ્થાનમાં તેમના વિધાનસભ્યોને કૉંગ્રેસે ખેંચી લીધા હોવાથી તેમના પક્ષે બેઠકનો બહિષ્કાર કર્યો છે. બસપના તમામ છ વિધાનસભ્યો કૉંગ્રેસમાં જોડાયા બાદ રાજસ્થાનમાં પક્ષની કારોબારી સમિતિનું માયાવતીએ વિસર્જન કર્યું હતું.
સુધારિત નાગરિકતા કાયદા વિરુદ્ધ કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં હિંસાના મુદ્દે રાષ્ટ્રપતિ કોવિંદના હસ્તક્ષેપની દાદ ચાહવા વિપક્ષો ગત 17 ડિસેમ્બરે તેમને મળ્યા ત્યારે તેમની સાથે બહુજન સમાજ પક્ષ નહોતો જોડાયો. જોકે, પક્ષનું સંસદીય પ્રતિનિધિમંડળ આ મુદ્દાની ચર્ચા કરવા રાષ્ટ્રપતિને 18 ડિસેમ્બરે મળ્યું છું.
રાજસ્થાનના કોટાની એક હૉસ્પિટલમાં નવજાત શિશુઓનાં મોતના મામલે પણ સોનિયા અને પ્રિયંકાની માયાવતીએ આકરી ટીકા કરી હતી અને જણાવ્યું હતું કે, કૉંગ્રેસનાં મહિલા મહામંત્રી પોતાનાં સંતાનો ગુમાવનારી માતાઓને મળવા કોટાની મુલાકાતે નથી ગયાં તો પછી ઉત્તર પ્રદેશમાં પીડિતોના પરિવારોની સાથે તેમની મુલાકાત રાજકીય હિતો માટેનું નાટક જ ગણાશે.
ક્યા પક્ષો બેઠકમાં જોડાયા?
કોંગ્રેસ, સીપીએમ, સીપીઆઈ, રાજદ, એનસીપી, એઆઈયુડીએફ, આરએલડી, એચએએમ, આઈયુએમએલ, આરએલએસપી, એલજેડી, કેરળ કોંગ્રેસ, આરએસપી, જેએમએમ
નિમંત્રણ મોકલાયા છતાં ન જોડાયા
બસપા, સપા, ડીએમકે, તૃણમૂલ કોંગ્રેસ, જેમને આમંત્રિત ન કરાયાઆમઆદમી પાર્ટી, શિવસેના
Published on: Tue, 14 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer