યુએસ-ચીન વચ્ચે ટ્રેડ ડીલ : હીરાની નિકાસમાં સુધારાનો આશાવાદ

કોલકાતા, તા. 14 : રફ હીરાના ભાવમાં દિવાળીથી 7-8 ટકાનો ઘટાડો થતા તેમ જ અમેરિકા - ચીન વચ્ચે ટ્રેડવોર મુદ્દે સમાધાનકારી કરાર 15 જાન્યુઆરીએ થવાની ધારણાએ નાણાકીય વર્ષ 2020ના ચોથા ત્રિમાસિક ગાળામાં હીરાના વેપારના કામકાજમાં સુધારો થવાની આશા જન્મી છે. નાણાકીય વર્ષ 2020ના પ્રથમ નવ માસમાં કટ અને પૉલિશ્ડ હીરાની નિકાસ 17.14 ટકા ઘટી છે, જેનું મુખ્ય કારણ અમેરિકા - ચીન વચ્ચેના ટ્રેડવોરની શક્યતા મનાતું હતું, કારણ કે આ બંને દેશો ભારતીય નિકાસકારો માટે મુખ્ય રહ્યાનું મનાય છે.
જોકે, હૉંગકૉંગમાં અશાંતિની દ્વિધા ચાલું રહેતા ભારતીય નિકાસકારો તેમ જ રશિયાની હીરાની ખાણો ચિંતા સેવી રહ્યા છે. અમેરિકા - ચીન વચ્ચે વેપાર કરાર થયા પછી આ સ્થિતિમાં કંઈક સુધારો જણાશે. આમ તો ડિસેમ્બરમાં ચીનની બજારોમાં કંઈક સુધારો જણાયો હતો, પરંતુ ઉત્પાદકો પાસે તેનો સ્ટૉક પડી રહેલો જોતાં તેનો પ્રથમ નિકાસ થાય તે જરૂરી છે.
રફ હીરાના ભાવ 7-8 ટકા ઘટયા પછી સ્થિર થવા મથી રહ્યા છે. 19 ડિસેમ્બરના એક અહેવાલ મુજબ હીરાના વેપાર માટે 2020નું વર્ષ સારું નીવડવાનો અંદાજ છે. હીરા ઉદ્યોગ રફ સપ્લાયમાં ઘટાડો, માર્કેટમાં કોન્સોલિડેશન, હીરાના પરિવહન અને ફાઈનાન્સમાં પરિવર્તન, ટેક્નૉલૉજીના વધારે સારા ઉપયોગની અપેક્ષા રખાય છે. ચીન અને અમેરિકા વચ્ચે ટેરિફ વોર લઈને જેમ્સ અને જ્વેલરીના સર્વાંગી નિકાસને અસર થઈ. ડિસેમ્બર, 2019માં 1.28 ટકા ઘટી રૂા. 17337.52 કરોડની નોંધાઈ હતી, જે ડિસેમ્બર, '18માં રૂા. 17561.98 કરોડ થઈ હતી. એપ્રિલ - ડિસેમ્બર, '19ના ગાળામાં જેમ્સ - જ્વેલરીની કુલ નિકાસ 4.37 ટકા ઘટી રૂા. 194,903.30 કરોડની રહી હતી.

Published on: Tue, 14 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer