સોના પરની આયાત ડયૂટી પાંચ ટકા કરવાની માગણી

મુંબઈ, તા. 14 : હીરા અને આભૂષણ ક્ષેત્રે માગ-નિકાસ વધારવા માટે કેન્દ્રના વેપાર મંત્રાલયે સોનાની આયાત ડયૂટીમાં ઘટાડો કરવાની માગણી કરતી રજૂઆત કરી છે. માહિતગાર સૂત્રોના જણાવ્યા મુજબ વેપાર મંત્રાલયે તેના બજેટના પ્રસ્તાવોમાં નાણાં મંત્રાલયને સોનાની આયાત ડયૂટીમાં મોટો કાપ મૂકવાની સલાહ આપી છે. ગયા બજેટમાં સરકારે સોના પરની આયાત ડયૂટી વધારીને 12.5 ટકા કરી હતી.
એક તરફ સોનાના ભાવ વધી રહ્યા હતા એટલે ગયા જુલાઈમાં સામાન્ય બજેટ  રજૂ કર્યા પછી ડયૂટી વધારાય હતી જેના પરિણામે સોનાના ભાવ પણ 20 ટકા વધી ગયા હતા.આની  કસ્ટમ્સ ડયૂટી પર વિશેષ અસર જણાઈ હતી, જે કારણે મહત્તમ રોજગારી પૂરી પાડતાં આ ઉદ્યોગ પર તેની ખરાબ અસર પડતી  જણાય તે સ્વાભાવિક છે. આથી જ દેશના ઝવેરીઓ તેમ જ નિકાસકારોએ સરકારને સોના પરની આયાત ડયૂટીમાં ઘટાડો કરવા અને આભૂષણો પરનો જીએસટી ઓછો કરવા અનુરોધ કર્યો છે.
ચેન્નાઈના એક અગ્રગણ્ય ઝવેરીના જણાવ્યા મુજબ ગયા 12થી 18 મહિનામાં લગભગ 10 લાખ કુશળ કારીગરોમાંથી ઓછામાં ઓછા 20 ટકા અન્ય કામકાજ કે પ્રવૃત્તિ તરફ જતા રહ્યા છે. આ અન્ય સેવાઓમાં સ્વિગી અને શ્રૃંખલા તથા ઓલા અને ઉબર કાર વગેરે મનાય છે. આ ઉદ્યોગ માટે અતિ ચિંતાનો વિષય છે.
દેશની અર્થવ્યવસ્થામાં મંદી તથા સોનાના ઊંચા ભાવને કારણે ગયા 12 મહિનામાં આભૂષણોના વેચાણમાં તીવ્ર ઘટાડો થયો છે. હાલ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂા. 39670 જેવાં બોલાય છે. કૃષિ ઉત્પાદનમાં ઘટાડો અને ગ્રામીણ વપરાશકારો પરના સતત દબાણને લઈ તેની માગ પર અસર થઈ છે. આવી સ્થિતિ ધ્યાનમાં રાખીને સોના પરની આયાત જકાત હાલના 12.5 ટકામાંથી ઘટાડીને પાંચ ટકા કરવી જોઈએ, ઉપરાંત રફ હીરા પરની આયાત ડયૂટી હાલની 7.5 ટકા પરથી ઘટાડી 2.5 ટકા કરવી જોઈએ, એમ જીજેઈપીસી માગણી કરી રહ્યું છે.

Published on: Tue, 14 Jan 2020

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer