ITCનો ખોટો દાવો બનશે બિનજામીનપાત્ર ગુનો

નવી દિલ્હી, તા. 14 : સરકાર આગામી બજેટમાં ગુડ્સ ઍન્ડ સર્વિસીસ કાયદામાં સુધારો કરે એવી શક્યતા છે, જેથી ઇનપુટ ટૅક્સ ક્રેડિટ (આઈટીસી)ના બનાવટી ક્લેમ રોકી શકાય. જો ગુડ્ઝ કે સર્વિસ મેળવનારે ખોટી રીતે દાવો કર્યો હશે તો એ બિનજામીનપાત્ર ગુનો ગણાશે.
માત્ર દાવો કરનાર જ નહીં, આવા એકમો વતી જેમણે દાવો કરવાનો આદેશ આપ્યો હશે એ ડિરેક્ટર કે કર્મચારી પણ સજાને પાત્ર ગણાશે. નવા પરોક્ષ વેરા અમલમાં આવ્યા બાદ એમાં ચેડાં થઈ રહ્યા હોવાની અનેક ફરિયાદો મળતા કાયદામાં સુધારો કરવાનું વિચારાઈ રહ્યું છે.
એક સરકારી અધિકારીના જણાવ્યા મુજબ, ઇનપુટ ટૅક્સ ક્રેડિટના બનાવટી દાવાઓ ન થાય એ માટે કાયદામાં અમુક સુધારાઓ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે.
જે દરખાસ્તો કરવામાં આવી છે એ મુજબ પાંચ કરોડ રૂપિયા સુધીના કેસને જામનીપાત્ર ગણાશે. અને જો રકમ એના કરતા વધુ હશે તો એવા કિસ્સામાં ગુનો બિનજામીનપાત્ર ગણાશે. અત્યારે માત્ર ગુડ્ઝ અને સર્વિસ આપનારાઓ માટે કડક જોગવાઈઓ અમલમાં છે, પરંતુ નવા સુધારામાં બનાવટી દાવાઓ માટે સપ્લાયર સાથે મિલીભગત કરનારા ગુડ્ઝ અને સર્વિસ મેળવનારાઓનો પણ સમાવેશ કરાશે.
જીએસટી કાયદા હેઠળની જોગવાઈમાં પ્રસ્તાવિત સુધારાઓ કરવાની મંજૂરી લૉ કમિટી અને જીએસટી કાઉન્સિલ દ્વારા આપવામાં આવી છે. આ ટૅક્સ માટે નિર્ણય લેવાનો સંપૂર્ણ અધિકાર જીએસટી કાઉન્સિલને છે. જીએસટી અમલમાં આવ્યા બાદ કર ચોરીનું પ્રમાણ ઊંચું રહ્યું હોવાથી જીએસટી ઍક્ટની કલમો 122 અને 132માં એ અંગેના સુધારાનો પ્રસ્તાવ રજૂ કરાયો છે. હાલ, ટૅક્સ ચોરી અટકાવવા કોઈ ચોક્કસ કાર્યવાહી કરવા અંગેની જોગવાઈ કાયદામાં નથી. આ વિભાગના એક અન્ય સરકારી અધિકારીના જણાવ્યા મુજબ, એક મત એવો પણ છે કે બનાવટી દાવાઓ કરી લાભ મેળવનારાઓને આકરો દંડ ફટકારવો જોઈએ. ખોટા દાવાઓ કરી આઈટીસીનો લાભ લેનારાઓ ડમી કંપની દ્વારા દાવા કરતા હોય છે.
અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, અૉથોરિટી પાસે એવા ઘણા કેસ આવ્યા છે, જેમાં બિલ કે ગુડ્ઝ-સર્વિસની રસીદ વગર જ ઇનપુટ ટૅક્સ ક્રેડિટના દાવાઓ કરાયા હોય, કાયદામાં જો આ અંગેની સ્પષ્ટ જોગવાઈ હશે તો આવા દાવેદારો સામે કાર્યવાહી કરવામાં સરળતા રહેશે.
બનાવટી ઇનપુટ ટૅક્સ ક્રેડિટના દાવા કરવા અંગેની મોડ્સ અૉપરેન્ડી અંગે અધિકારીએ જણાવ્યું કે, આ લોકો મજૂર, કામદાર કે રિક્ષા ડ્રાઈવર જેવા લોકોના નામનો ઉપયોગ કરી કંપની શરૂ કરે છે. આ કંપનીના નામે ઇનવોઈસ ઇશ્યૂ કરે છે. હકીકતમાં આવી કંપનીઓ દ્વારા કોઈ ગુડ્ઝ કે સર્વિસ પૂરા પડાતા નથી. તો અમુક જણ ગુડ્ઝ અને સર્વિસ તો પૂરી પાડે છે, પણ નક્કી કરાયેલ રકમ વસૂલી ઇનવોઈસ વેચતા હોય છે. કરવેરાના નિષ્ણાતોનું કહેવું છે કે સરકારે આ અંગેની વિસ્તૃત માર્ગદર્શિકા બહાર પાડવી જોઈએ જેથી એનો દુરુપયોગ ઘટાડી શકાય.

Published on: Tue, 14 Jan 2020

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer