ચૅનલો જોવાના ટ્રાઇના નવા ટેરિફથી બ્રોડકાસ્ટરો બાદ હવે કૅબલ અૉપરેટરો પણ નારાજ

મુંબઈ, તા.14 : ટેલિકૉમ રેગ્યુલેટરી અૉથોરિટી અૉફ ઇન્ડિયા (ટ્રાઇ)ના ટીવી ચેનલો જોવાના દરોમાં સુધારાનો આદેશ (ન્યૂ ટેરિફ અૉર્ડર-એનટીઓ) સામે ટીવી ચેનલો (બ્રોડકાસ્ટરો) બાદ હવે લોકલ કેબલ અૉપરેટરો પણ દેખાવો કરવાની યોજનામાં છે. નવા ટેરિફમાં ગ્રાહક માટે નેટવર્ક કેપેસિટી ફી (એનસીએફ) 160 રૂપિયા અને એજ ગ્રાહકના બીજા અને ત્રીજા ટીવી માટે આ ફી 60 ટકા ઓછી રાખવાના નિયમ સામે કેબલ અૉપરેટરોનો જોરદાર વિરોધ છે. 
મહારાષ્ટ્ર કેબલ અૉપરેટર્સ ફાઉન્ડેશનના પ્રમુખ અરવિંદ પ્રભુએ કહ્યું હતું કે ખાસ કરીને એનસીએફ જેવા ટ્રાઇના કેટલાક નવા નિયમોને અમે પડકારવાના છીએ. રવિવારે મુંબઈમાં ફાઉન્ડેશનના દેશભરના પ્રતિનિધિઓની બેઠક મળી હતી, જેમાં દેશના મેટ્રો અને મોટાં શહેરો તેમ જ વિવિધ રાજ્યોના કેબલ અૉપરેટરોનાં 40થી વધુ સંગઠનોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. બેઠક બાદ પ્રભુએ કહ્યું હતું કે પહેલા તો અમે ટ્રાઇને અપીલ કરીશું કે સુધારેલા નિયમો અને ટેરિફમાં કેટલાક એવા છે જે કેબલના બિઝનેસને ટકવા નહીં દે. અન્ય એક હોદ્દેદારે કહ્યું હતું કે ટ્રાઇ દરેક બાબતોને પ્રાઇઝ કંટ્રોલની રીતે જોઇ રહી છે અને ચેનલના ભાવમાં વધારો કે ઘટાડો કરવો એ અમારો મુદ્દો નથી, બ્રોડકાસ્ટર્સનો છે. અમારા માટે મુખ્ય મુદ્દો એનસીએફનો છે. આ નિયમ પ્રમાણે તો કોઇ ગ્રાહક પાંચસો રૂપિયા દર મહિને ચૂકવે તો કેબલ અૉપરેટરને માત્ર પચાસ રૂપિયા જ મળશે. કેબલ અૉપરેટર તો સર્વિસ ફી કે ઇન્સ્ટોલેશન ચાર્જ પણ 350 રૂપિયાથી વધુ નહીં લઇ શકે. હવે એનસીએફમાં પણ ઘટાડો થાય તો અમારે તો બિઝનેસ સમેટી લેવાનો વારો આવશે.
Published on: Wed, 15 Jan 2020

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer