હિન્દુ સાથે પરણેલી પારસી મહિલાનાં સંતાનોના નવજોતના મુદ્દે મતભેદ

મુંબઈ, તા. 14 : મુંબઈમાં પારસી પરિવારની અન્ય ધર્મમાં પરણેલી દીકરીનાં સંતાનોની `નવજોત'ની વિધીને ધર્મવિરોધી ગણાવીને તેને અગિયારીમાં યોજવા સામે વિરોધ કર્યો છે. આ મુદ્દે પારસીઓમાં મતભેદ ઊભા થયા છે.
વેપારી અને આર્ટ કલેક્ટર દારા મહેતાએ તેમની બહેનના સંતાનોના નવજોતની વિધિ કોલાબામાં શેઠ જીજીભોય દાદાભોય અગિયારીમાં યોજવામાં આવી હોવાની આમંત્રણપત્રિકા સગાસંબંધીઓને પાઠવી હતી. તે બાળકોના પિતા હિન્દુ છે. 
આ અગિયારીનો વહિવટ પારસીઓનું ટ્રસ્ટ સંભાળે છે. તેના ટ્રસ્ટીઓએ અગિયારીની જગ્યામાં ધર્મ વિરોધી પ્રવૃત્તિ યોજવા દેવાનો ઈન્કાર કરતાં જણાવ્યું હતું કે તેના માટે તેને પારસીકોમ સમક્ષ ખુલાસો કરવો પડશે. આ અગિયારીનો લાભ માત્ર પારસીઓ જ લઈ શકે અને અન્યો નહીં.
આ બનાવને પગલે પારસી આગેવાન પેઝદી હોડીવાલાએ અગિયારીના ટ્રસ્ટીઓને કાનૂની નોટિસ પાઠવી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે આ બાબત ધાર્મિક લાગણી દુભાવવા અંગેની છે. હોડીવાલાએ તે અંગે નોટિસમાં આઈપીસીની જોગવાઈઓ ટાંકી છે.
પારસીઓના અખબાર-પારસી વોઈસ વતિથી હેનોઝ મિત્રીએ વાંધા ઉઠાવતા પત્રમાં જણાવ્યું છે કે બાળકોના પિતા બિનપારસી છે. સંતાનોના માતાપિતા બંને પારસી હોય તો જ નવજોતની વિધિ થઈ શકે છે. જ્યારે આ બનાવમાં બાળકોના પિતા હિન્દુ છે. નવજોત માટે બિનપારસી પાત્ર નથી.
જોકે, દારા મહેતાએ જણાવ્યું હતું કે, આ વિધિ ગત શનિવારે યોજાઈ ગઈ હતી.
સુધારાવાદી પારસી વિસ્પી વાડિયાએ જણાવ્યું હતું કે, ઝોરાસ્ટ્રીયનને પાળવા માટે કોઈની પરવાનગીની જરૂર નથી. આ વૈશ્વિક ધર્મ છે. પારસી પુરુષે બીજા ધર્મમાં લગ્ન કર્યા હોય તો તેના સંતાનોને આપણા પારસી ધર્મમાં સ્વીકારીએ છીએ. જ્યારે પારસી મહિલા બીજા ધર્મમા લગ્ન કરે ત્યારે આપણે તેઓના સંતાનોને પારસી ધર્મમાં સ્વીકારતા નથી. પારસી મહિલાઓ માટે શા માટે ભેદભાવ રાખીએ છીએ? એમ વાડિયાએ ઉમેર્યું હતું.
Published on: Wed, 15 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer