અમદાવાદમાં 108ને 1950 ઈમર્જન્સી કોલ મળ્યા

113ને દોરી વાગી પટકાતાં એકનું મોત અને દોરી વાગતા એકની જીભ કપાઈ 
અમદાવાદ, તા. 14 : રાજ્યભરમાં ઉત્તરાયણની ઉજવણી દરમિયાન પતંગની મજાની સાથે સાથે ચાઈનિઝ દોરી અનેક લોકોના જીવ પણ લે છે તો કોઈને કાયમી શારીરિક ખોડ ખાપણ આપતી જાય છે. મંગળવારે પણ રાજ્યમાં આ પ્રકારના અનેક બનાવો બન્યા હતાં. 108 એમ્બ્યુલન્સને બપોરના 3 વાગ્યા સુધીમાં 1950 ઈમર્જન્સી કોલ્સ મળ્યા હતા. જ્યારે દોરીથી ઈજા થવાના 113 કેસ નોંધાયા છે. સુરતમાં એક બાળક અને એક વૃદ્ધને દોરી વાગી છે અને એક યુવકની જીભ કપાઈ ગઈ છે. તેમ જ અમદાવાદમાં કિશોરી ધાબા પરથી પટકાઈ છે અને એક બાઈક ચાલકને દોરી વાગતા 28 ટાકા આવ્યા છે. 
દરમિયાન  ટેરેસ પરથી પટકાતા સગીરનું મોત વડોદરાના ખોડિયાર નગર નજીક સયાજીપુરા પાણીની ટાંકી પાસે મુખ્યમંત્રી આવાસમાં બી-706 બંસીધર હાઇટ્સમાં રહેતો 16 વર્ષના કરણ રાઠોડ પતંગ ઉડાવવામાં મશગુલ હતો. આ દરમિયાન અચાનક જ ટેરેસ ઉપરથી પટકાતા કરણનું મોત નીપજ્યું હતું. 
સુરત જિલ્લામાં ચલથાણમાં રહેતા પપ્પાસિંગ બાઈક પર ત્રણ સંતાનોને લઈ પાર્લે પોઈન્ટ ખાતે આવેલા અંબાજી માતાના દર્શન કરવા જઈ રહ્યાં હતાં ત્યારે તેમના આગળ બેઠેલા શિવમ(ઉ.વ.4)ના ગળામાં દોરી ભરાઈ હતી. આ દરમિયાન પિતાએ બાળકને બચાવવા જતા બ્રેક મારી અને પરિવાર સાથે રસ્તા પર પડ્યા હતા. પતંગનો દોરો શિવમના ગળામાં ધુસી ગયો હોવાથી લોહી નીકળવા લાગ્યું હતું. જેથી ઘટના સ્થળ પાસેથી પસાર થઈ રહેલા કોન્સ્ટેબલ કિરીટ પટણીએ વધુ સમય ન બગાડતાં તાત્કાલિક શિવમને સિવિલ હૉસ્પિટલ સારવાર અર્થે પહોંચાડયો હતો. 
ઘોડદોડ રોડ ખાતે આવેલી બીએસએનએલ કોલોનીમાં રહેતા બાલુભાઈ પવાર (ઉ.વ.67) નિર્મળ હૉસ્પિટલ સામે ફલાઈ ઓવર બ્રિજ પરથી પસાર થઈ રહ્યાં હતાં. આ દરમિયાન પતંગના દોરાથી તેમનું ગળું કપાતા રોડ પર પડી ગયાં હતાં. રોડ પર પડેલા વૃદ્ધ પર કાર ચાલકની નજર પડતાં તેઓ તાત્કાલિક સારવાર માટે સિવિલ હૉસ્પિટલ લઈ ગયા હતા. 
ઉધના દરવાજા બ્રિજ પર બાઇક પર જઈ રહેલા યુવકની પતંગના દોરાથી જીભ કપાઈ ગઈ હતી. જેને પગલે ઈજાગ્રસ્ત યુવકને સિવિલમાં દાખલ કરવામાં આવ્યો છે. 
અમદાવાદમાં સવારે વસ્ત્રાલમાંથી એક બાઈકચાલક પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને દોરી વાગતા પટકાયો હતો. જેને કારણે તેને સારવાર અર્થે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેની આંખ અને કાન પાસે 28 ટાંકા લેવા પડ્યા હતા. વાડજમાં નેહા નામની 13 વર્ષની કિશોરીને ધાબા પરથી નીચે પટકાતા મોઢાના ભાગે ઇજા થઇ હતી. જેથી તેને સારવાર માટે સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરાઈ હતી. સરદારનગર વિસ્તારમાં 42 વર્ષના ઉનમેશભાઈ દત્ત નીચે ધાબા પરથી પટકાતા તાત્કાલિક 108 મારફતે બેભાન હાલતમાં સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 
Published on: Wed, 15 Jan 2020

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer