CAAનો વિરોધ હવે ક્રિકેટના મેદાન સુધી પહોંચ્યો

CAAનો વિરોધ હવે ક્રિકેટના મેદાન સુધી પહોંચ્યો
મુંબઈમાં ભારત-અૉસ્ટ્રેલિયાની વન-ડે મૅચ દરમિયાન સરકાર વિરોધી નારાબાજી
મુંબઈ, તા.14 : કેન્દ્રના નાગરિકતા સુધારિત કાયદા (સીએએ) સામે દેશભરમાં આંદોલનો થઇ રહ્યાં છે અને હવે ક્રિકેટના મેદાન સુધી આ આંદોલન પહોંચ્યું છે. આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત-અૉસ્ટ્રેલિયા વચ્ચેની વનડે મેચ દરમિયાન કેટલાંક ક્રિકેટ રસિયાઓએ સીએએ વિરોધી આંદોલન કર્યું હતું. દેખાવકારોએ સીએએ અને પ્રસ્તાવિત એનપીઆર વિરોધી સૂત્રો લખેલા ટીશર્ટ પણ પહેરેલા હતા અને સરકાર વિરોધી નારાબાજી કરી હતી. સ્ટેડિયમમાં આ દેખાવોની વિડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે.
આજે વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને અૉસ્ટ્રેલિયા વચ્ચે વનડે મેચ ચાલતી હતી ત્યારે હકડેઠઠ ભરેલા સ્ટેડિયમમાં અચાનક નારાબાજી થતાં સૌ ચોંકી ઉઠયાં હતા. સીએએનો વિરોધ દર્શાવવા આવેલા આંદોલનકારીઓએ વિરોધી સૂત્રો લખેલા ટીશર્ટ પણ પહેરેલા હતાં. છેલ્લાં કેટલાય સમયથી દેશભરમાં સીએએના વિરોધમાં આંદોલનો અને દેખાવો થઇ રહ્યાં છે અને હવે એમાં વિદ્યાર્થીઓ પણ જોડાયા છે. સરકાર તેમ જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ કાયદા સંદર્ભે સ્પષ્ટતાઓ કરી છે પરંતુ આંદોલનકારીઓ સાથે કોઇ પણ પ્રકારની વાતચીત નથી કરી, તેથી અમે સરકારનું ધ્યાન ખેંચવા સ્ટેડિયમમાં આંદોલન કરવાનું વિચાર્યું હતું, એમ કેટલાંક આંદોલનકારીઓ બોલતા સંભળાયા હતા. 
દેશના વિકાસના સલાહ-સૂચનો માટે સરકાર અને મોદીજી સમાજમાં નામના ધરાવતા લોકો તેમ જ મોટા ઉદ્યોગપતિઓને નિમંત્રણ આપે છે, પરંતુ વિદ્યાર્થીઓને ક્યારેય નથી બોલાવતા, આવું કેમ? એવો સવાલ પણ કેટલાંક આંદોલનકારીઓએ કર્યો હતો. 
આંદોલનકારીઓના જણાવ્યાં પ્રમાણે નોટબંધી બાદ અત્યાર સુધીની અનેક ઘટનાઓ સંદર્ભે મોદીજીએ સ્પષ્ટીકરણ આપેલા છે, પરંતુ એ પ્રમાણે કામ થયું નથી. હવે મોદીજી વર્ષ 2014માં હતાં એવા વડા પ્રધાન નથી રહ્યાં, બદલી ગયા છે. સીએએ આવ્યાં બાદ દેશભરના લોકોમાં અકળામણનું વાતાવરણ છે, તેથી વડા પ્રધાને વિદ્યાર્થીઓને નિમંત્રીને આ કાયદા વિશે સમજ આપવી જોઇએ અને સૌની સાથે સંવાદ સાધવો જોઇએ. કેટલાય સ્થળોએ સીએએ સામે આંદોલનો થઇ રહ્યા છે અને વિદ્યાર્થીઓ પણ તેમાં જોડાયા છે. આ આંદોલનોમાં કેટલાંક લોકોનાં મૃત્યુ પણ થયાં છે. છતાં સરકાર કોઇ પ્રતિભાવ નથી આપતી.
Published on: Wed, 15 Jan 2020

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer