75 ટકા હાજરી નહીં હોય તો SSCની પરીક્ષા નહીં આપી શકાય

75 ટકા હાજરી નહીં હોય તો SSCની પરીક્ષા નહીં આપી શકાય
મુંબઈ, તા.14 : મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ મંડળ (બોર્ડ) તરફથી જાહેર કરાયું છે કે સ્કૂલમાં 75 ટકાથી ઓછી હાજરી હશે એવા વિદ્યાર્થીઓને દસમીની પરીક્ષામાં નહીં બેસવા દેવાય. આ સાથે જ બોર્ડે સ્કૂલોને પાંચ ફેબ્રુઆરી સુધીમાં એસએસસીના તમામ વિદ્યાર્થીઓની હાજરી સંબંધી વિગતો પહોંચતી કરવાનું પણ જણાવ્યું છે. 
બોર્ડ તરફથી સ્કૂલમાં પ્રત્યેક વિદ્યાર્થીની 75 ટકા હાજરી ફરજિયાત હોવાનો નિયમ કરેલો છે. સ્કૂલના બે શૈક્ષણિક સત્રમાં દિવાળી સુધીની 15 અૉક્ટોબર સુધીની તેમ જ બાદમાં બીજા સત્રમાં પાંચ ફેબ્રુઆરી સુધીની મળીને પ્રત્યેક વિદ્યાર્થીની હાજરી 75 ટકા હોવી જોઇએ. જે વિદ્યાર્થીની બંને સત્રની મળીને સ્કૂલમાં 75 ટકા હાજરી નહીં હોય તેમને બોર્ડની પરીક્ષામાં નહીં બેસવા દેવાય. 
સ્કૂલોને જણાવાયું છે કે પ્રત્યેક વિદ્યાર્થીની પાંચ ફેબ્રુઆરી સુધીની કુલ હાજરીની વિગતો બોર્ડને મોકલવાની રહેશે અને જે વિદ્યાર્થીની હાજરી ઓછી હોય તેની સામે નો કેન્ડિડેટ એવું લખવાનું છે. આવા વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટેની હૉલ ટિકિટ નહીં મળી શકે, એમ પણ બોર્ડ તરફથી જણાવાયું હતું. 
Published on: Wed, 15 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer