ઝવેરી બજારના ચોકને `મુંબઈ સુવર્ણકાર સંઘ'' નામ અપાયું

ઝવેરી બજારના ચોકને `મુંબઈ સુવર્ણકાર સંઘ'' નામ અપાયું
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 14 : દક્ષિણ મુંબઈમાં ઝવેરી બજાર પરિસરમાં ધનજી સ્ટ્રીટ, પહેલી અગિયારી લેન અને અગિયારી ક્રોસ લેનના ચોકને આજે મુંબઈ સુવર્ણકાર સંઘનું નામ આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ભાજપના નગરસેવક અને `સી'-`ડી' વૉર્ડ સમિતિના અધ્યક્ષ આકાશ પુરોહિતે જણાવ્યું હતું કે આ નામકરણનો પ્રસ્તાવ અભરાઈ ઉપર ચઢાવી દીધો હતો પણ મેં તે પ્રસ્તાવને મંજૂર કરાવ્યો છે. સુવર્ણકારો દેશના વિદેશી હૂંડિયામણ કમાઈ આપવામાં સારી ભૂમિકા ભજવે છે. આ સંસ્થાએ સુવર્ણકારોની સમસ્યાને હંમેશા વાચા આપી છે, એમ આકાશ પુરોહિતે ઉમેર્યું હતું.
ભાજપના આગેવાન રાજ કે. પુરોહિતે જણાવ્યું હતું કે સુવર્ણકારોની જે સમસ્યા હોય તેને ઉકેલવા અમે મુંબઈ પાલિકા સમક્ષ રજૂઆત કરીશું. મુંબઈને દેશની આર્થિક રાજધાની બનાવવામાં ઝવેરી બજારનો અને સુવર્ણકારોનું પણ યોગદાન છે. અખિલ ભારતીય સુવર્ણકાર સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ મધુકર ચાચડે જણાવ્યું હતું કે કેન્દ્રના નાણાપ્રધાન મોરારજી દેસાઈએ નવમી જાન્યુઆરી, 1963ના દિવસે ગોલ્ડ કંટ્રોલ એકટનો વટહુકમ બહાર પાડયો હતો. તેના વિરુદ્ધ સુવર્ણકારોએ આ ચોકમાં આંદોલન કર્યું હતું. બાદમાં આ સંસ્થાની સ્થાપના થઈ હતી. બાદમાં રાષ્ટ્રીય સ્તરે પણ સુવર્ણકારોની સંસ્થા સ્થપાઈ હતી.
પાલિકાના ઉપાયુક્ત હર્ષદ કાળેએ જણાવ્યું હતું કે દેશને વેરા અને વિદેશી હૂંડિયામણની આવક રળી આપવામાં સુવર્ણકારોનો નોંધપાત્ર ફાળો છે. તેથી પાલિકાએ આ ચોકને મુંબઈ સુવર્ણકાર સંઘનું નામ આપ્યું છે. કાર્યક્રમના અંતે મુંબઈ સુવર્ણકાર સંઘના અધ્યક્ષ સુધીર પેડણેકરએ આભારવિધિ કરી હતી.
Published on: Wed, 15 Jan 2020

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer