પુલવામા હુમલો પાકિસ્તાની આતંકવાદીઓએ નહોતો કર્યો તો કોણે કર્યો એ કૉંગ્રેસ દેશને જણાવે

પુલવામા હુમલો પાકિસ્તાની આતંકવાદીઓએ નહોતો કર્યો તો કોણે કર્યો એ કૉંગ્રેસ દેશને જણાવે
દેવેન્દ્ર સિંહ મુદ્દે કૉંગ્રેસ પર ભાજપના આકરા પ્રહાર
પ્રમોદ મુઝુમદાર તરફથી
નવી દિલ્હી, તા. 14 : જમ્મુ કાશ્મીરમાં તાજેતરમાં કુલગામથી પકડાયેલા ડીએસપી દેવેન્દ્ર સિંહના આતંકવાદીઓ સાથેના સંપર્ક પર દેશના રાજકારણમાં ગરમાટો આવી ગયો છે અને કૉંગ્રેસે આ મુદ્દે સરકાર પર નિશાન સાધ્યું હતું અને સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યો હતો ત્યારે ભાજપે વળતો પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, કૉંગ્રેસ પાર્ટી હિન્દુઓને આતંકવાદી જાહેર કરવા માગે છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કૉંગ્રેસ પર પાકિસ્તાનનો પક્ષ લેવાનો આરોપ મૂકતાં જણાવ્યું હતું કે, પુલવામા હુમલા અંગે કૉંગ્રેસ અલગ અલગ સવાલ કરી રહી છે. 
શું કૉંગ્રેસને એ વાત પર શંકા છે કે પુલવામા પર હુમલો પાકિસ્તાને નહોતો કર્યો? જો તેને શંકા હોય તો દેશ સમક્ષ આ વાત તે કહે.
સંબિત પાત્રાએ આજે ભાજપ મુખ્યાલયમાં પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, દેશની પોલીસે દેવેન્દ્ર સિંહની ધરપકડ કરી છે. કાયદો તેનું કામ કરી રહ્યો છે. કૉંગ્રેસે એ જ કર્યું છે જેમાં તે સક્ષમ છે. કૉંગ્રેસે ફરી એકવાર ભારત પર હુમલો કર્યો છે અને પાકિસ્તાનનો પક્ષ લીધો છે. કૉંગ્રેસના લોકસભાના નેતા અધીર રંજન ચૌધરીએ આ મામલામાં ધર્મને ઘુસાડયો છે. હિન્દુ આતંકવાદી શબ્દની શોધ પણ કૉંગ્રેસે જ કરી છે.
ડૉ. પાત્રાએ જણાવ્યું હતું કે, કૉંગ્રેસે એવી જાહેરાત કરવી જોઈએ કે તેને ભારતની સેના પર વિશ્વાસ નથી. કૉંગ્રેસ અને પાકિસ્તાનમાં કોઈ તો સંબંધ છે જેને કારણે તે વારંવાર પાકિસ્તાનની ભાષા બોલી રહી છે. કૉંગ્રેસ તરફથી નવા સેના પ્રમુખને ટોણો મારવામાં આવે છે.
કૉંગ્રેસે આજે પત્રકાર પરિષદમાં ભાજપ પર નિશાન તાક્યું હતું.
રણદીપ સુરજેવાલા અને અધીર રંજન ચૌધરીએ પુલવામા આતંકવાદી હુમલા પર સવાલ ઉઠાવ્યો હતો અને આ હુમલાની તપાસની માગણી કરી હતી.
કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં ભાજપના પ્રવક્તા પાત્રાએ જણાવ્યું હતું કે ટુકડે ટુકડે ગૅંગ સાથે રાહુલ ગાંધી ઊભા રહે છે અને કૉંગ્રેસ આ મુદ્દે રાજકારણ રમી રહી છે.
Published on: Wed, 15 Jan 2020

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer