ગુજરાતમાં ઉત્તરાયણના રંગમાં ભંગ : ધાબા પરથી પટકાતાં એકનું મોત, દોરીથી એકની જીભ કપાઈ

ગુજરાતમાં  ઉત્તરાયણના રંગમાં ભંગ : ધાબા પરથી પટકાતાં એકનું મોત, દોરીથી એકની જીભ કપાઈ
અમદાવાદ, તા. 15 :  રાજ્યભરમાં ગઈકાલે ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી હતી. 108 એમ્બ્યુલન્સને સાંજના 6 વાગ્યા સુધીમાં 3351 ઈમરજન્સી કૉલ્સ મળ્યા છે, જ્યારે ગત વર્ષે 3055 કૉલ મળ્યા હતા. આમ 2019 કરતાં 296 કૉલ વધુ મળ્યા છે. તેમજ દોરી વાગવાના 186 કેસ નોંધાયા છે. સુરતમાં બાળક અને વૃદ્ધને દોરી વાગી છે અને એક યુવકની જીભ કપાઈ ગઈ છે. તેમજ અમદાવાદમાં કિશોરી ધાબા પરથી પટકાઈ છે અને એક બાઈકચાલકને દોરી વાગતાં 28 ટાંકા આવ્યા છે. 
જ્યારે વડોદરાના ખોડીયાર નગર નજીક સયાજીપુરા પાણીની ટાંકી પાસે મુખ્ય પ્રધાન આવાસમાં બી-706 બંસીધર હાઇટ્સમાં રહેતો 16 વર્ષનો કરણ રાઠોડ પતંગ ઉડાવવામાં મશગુલ હતો. આ દરમિયાન અચાનક જ ટેરેસ ઉપરથી પટકાતાં કરણનું મોત નીપજ્યું હતું. 
ચલથાણમાં રહેતા પપ્પાસિંગ બાઈક પર ત્રણ સંતાનોને લઈ પાર્લે પોઈન્ટ ખાતે આવેલા અંબાજી માતાના દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે તેમના આગળ બેઠેલા શિવમ (ઉ.વ.4)ના ગળામાં દોરી ભરાઈ હતી. આ દરમિયાન પિતાએ બાળકને બચાવવા જતાં બ્રેક મારી અને પરિવાર સાથે રસ્તા પર પડ્યા હતા. પતંગનો દોરો શિવમના ગળામાં ઘૂસી ગયો હોવાથી લોહી નીકળવા લાગ્યું હતું. તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે પહોંચાડ્યો હતો. 
ઘોડદોડ રોડ ખાતે આવેલી બીએસએનએલ કોલોનીમાં રહેતા બાલુભાઈ પવાર (ઉ.વ.67) નિર્મળ હોસ્પિટલ સામે ફલાયઓવર  બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પતંગના દોરાથી તેમનું ગળું કપાતાં રોડ પર પડી ગયા હતા. તેમને અને ઉધના દરવાજા બ્રિજ પર બાઇક પર જઈ રહેલા યુવકની પતંગના દોરાથી જીભ કપાઈ ગઈ હતી. જેને પગલે ઈજાગ્રસ્ત યુવકને સિવિલમાં દાખલ કરવામાં આવ્યો છે.  અમદાવાદમાં કિશોરી ધાબા પરથી પટકાઈ, યુવાનને દોરી વાગતાં પાંચ ટાંકા આવ્યા 
સવારે વસ્ત્રાલમાંથી એક બાઈકચાલક પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને દોરી વાગતાં પટકાયો હતો. જેને કારણે તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેને આંખ અને કાન પાસે 28 ટાંકા લેવા પડ્યા હતા. સરદારનગર વિસ્તારમાં 42 વર્ષના ઉનમેશભાઈ દત્ત ધાબા પરથી નીચે પટકાતાં તાત્કાલિક 108 મારફતે બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ભિલોડાના ભૂતાવડમાં પતંગ ચગાવતી વખતે ધાબા પરથી પટકાતાં યુવાનને માથામાં પાંચ ટાંકા આવ્યા હતા. 
શહેરના રખિયાલ વિસ્તારમાં 12 વર્ષનો જય નામનો કિશોર ધાબા પરથી નીચે પટકાયો હતો. માથામાં અને શરીરના ભાગે ઇજાઓ થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. 

Published on: Wed, 15 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer