સોનાના દાગીના ઉપર આજથી હોલમાર્કિંગ લાગુ

સોનાના દાગીના ઉપર આજથી હોલમાર્કિંગ લાગુ
નવી દિલ્હી, તા. 15 : સરકારે સોનાનાં આભૂષણો માટે હોલમાર્કિંગ આજથી ફરજિયાત કર્યું છે, પણ જ્વેલર્સ અને રિટેલર્સને બ્યુરો અૉફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડસ (બીઆઈએસ)માં પોતાને રજિસ્ટર કરાવવા તેમ જ પોતાની પાસેનો જૂનો સ્ટૉક `ક્લીઅર' કરાવવા એક વર્ષનો સમય આપ્યો છે.
સોનાની શુદ્ધતા અંગેનું પ્રમાણપત્ર એટલે ગોલ્ડ હોલમાર્કિંગ ગણાવી શકાય. જોકે, તાજેતરનાં કેટલાંક વર્ષોથી તેનું સ્વૈચ્છિક રીતે પાલન થઈ રહ્યું છે. આ નીતિવિષયકને સરકાર તરફથી પ્રોત્સાહન અપાઈ રહ્યું છે, કારણ કે બજારમાં સોનું વેચાય છે તે શુદ્ધ નથી, એવી અનેક ફરિયાદ થઈ રહી છે. આમ તો એપ્રિલ, 2000થી બીઆઈએસ હોલમાર્કિંગ સ્કીમનું સંચાલન કરી રહ્યું છે અને હાલમાં 40 ટકા જેટલાં સોનાનાં આભૂષણો હોલમાર્ક કરાયેલાં છે.
15મી જાન્યુઆરી, 2021થી કોઈ પણ ઝવેરીને હોલમાર્ક કર્યા વિનાના સોનાના દાગીના વેચવાની છૂટ અપાશે નહીં, એમ અન્ન અને ગ્રાહક બાબતોના ખાતાના પ્રધાન રામવિલાસ પાસવાને જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે હોલમાર્કિંગ થયેલાં ઘરેણાં 14, 18 અને 22 કેરેટમાં જ ઉપલબ્ધ રહેશે. વેપારીઓ અને જ્વેલર્સ પણ કહે છે કે હોલમાર્ક થયા વિનાનાં ઘરેણાં ડિસ્કાઉન્ટથી વેચાય એવી શક્યતા છે. જેથી નાનાં શહેરોના ઝવેરીઓ પર અસર થતી જણાશે કારણ કે આવા વિસ્તારોના વપરાશકારો - ગ્રાહકો મોટાં શહેરોની જેમ શુદ્ધતાનો તેમ જ સ્ટાન્ડર્ડનો આગ્રહ રાખતા નથી.
હવે સરકારનાં પગલાં દેશભરના વપરાશકારોને મદદરૂપ બની રહેશે. ઓછી શુદ્ધતાનાં આભૂષણો પધરાવી દેવાની એટલે કે વેચવાની રીતરસમો સામે ગ્રાહકોને રક્ષણ મળશે. એટલે કે તેમણે જે કાંઈ સોનાના દાગીના ખરીદ્યા છે તેમાં છેતરામણી થઈ નથી, એવી તેઓને ખાતરી રહેશે. આનો વિશેષ લાભ તો ગ્રામ્ય વિસ્તારોના તથા નાનાં શહેરોના ગરીબ વર્ગને થશે, કારણ કે દાગીના ખરીદતી વેળા તેઓને સોનાની શુદ્ધતાનો તાગ મળતો હોતો નથી, એમ પાસવાને ઉમેર્યું હતું. તેમણે આમ કહ્યું હતું કે હોલમાર્કિંગના ધોરણનો ભંગ કરનારા સામે કાનૂની કાર્યવાહીની જોગવાઈ રખાઇ છે. તેઓએ ઓછામાં ઓછો રૂા. એક લાખનો દંડ ભરવો પડશે અથવા તે દાગીનાની કિંમતના પાંચ ગણા ચૂકવવા પડશે અને તેમાં એક વર્ષની જેલની સજાનો વિકલ્પ પણ હશે.
હૉલમાર્કિંગનો નિયમ ગ્રાહકો-વપરાશકારોને લાગુ પડશે નહીં. તેઓ દાગીના ઝવેરીને 15 જાન્યુઆરી, 2021 પછી પણ વેચવા મુક્ત રહેશે પણ ઝવેરીઓ હોલમાર્કિંગ કરાયાં વિના તે આભૂષણો વેચી શકશે નહીં.
આમ તો જે ગ્રાહકો - વપરાશકારો તેના જૂનાં આભૂષણો પર હોલમાર્કિંગ કરાવવા ઇચ્છતા હોય તેઓ આ સવલતનો લાભ લઈ શકે છે.

Published on: Wed, 15 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer