ભારત સામે નમી પડયું મલેશિયા

પામતેલ આયાત પર રોક મુકાતાં મુંઝાયેલા મહાતિરના પ્રધાન વાતચીત કરવા માટે તૈયાર
નવી દિલ્હી, તા. 19 : કાશ્મીર મામલે મલેશિયાના વડાપ્રધાન મહાતિર મોહમ્મદની ટિપ્પણી બાદ પામતેલની આયાત પર ભારતે રોક મૂકતાં મુંઝાઈ ગયેલાં મલેશિયાએ નીચી વાટ લઈ નાખી છે.
બન્ને દેશો વચ્ચે વિતેલા મહિનાઓથી જારી તાણને ઉકેલવા માટે કૂટનીતિક ચેનલથી વાતચીતની કોશિશો પણ મલેશિયાએ કરવા માંડી છે.
આગામી સપ્તાહે વર્લ્ડ ઈકોનોમિક ફોરમની બેઠક દરમ્યાન મલેશિયાના વાણિજ્યમંત્રી ડોરેલ લેઈકિંગ ભારતના વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલ સાથે મુલાકાત કરશે.  આ બેઠકનો કોઈ એજન્ડા નક્કી નથી, પરંતુ એવું મનાઈ રહ્યું છે કે, બન્ને દેશોના સંબંધોમાં સહજતા લાવવાની દૃષ્ટિએ મુલાકાત મહત્ત્વપૂર્ણ બની રહેશે.
મલેશિયા પામતેલ પર ભારત સાથે વિવાદને વધારવા ઈચ્છતું નથી અને હજુ પણ કૂટનીતિક સ્તર પર વાતચીતથી જ મામલો ઉકેલવા માગે છે.
ભારત સાથે કારોબાર પર રોક બાદ મલેશિયાના વડાપ્રધાન મહાતિર મોહમ્મદ પર આંતરિક દબાણ વધવા માંડયું છે.
મલેશિયાના તમામ કારોબારી સંગઠનોનું કહેવું છે કે, ભારત સાથે પામતેલ કારોબાર જલ્દી શરૂ કરવો જ રહ્યો. પામતેલની કિંમતો ગત શુક્રવારે 11 વર્ષની સૌથી નીચી સપાટીએ પહોંચી ગઈ હતી.

Published on: Mon, 20 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer