પ્રિયંકા ગાંધી મેદાનમાં આવ્યાં, તો નીતિન પટેલે પણ રોકડું પરખાવ્યું!

હાર્દિક પટેલની ધરપકડ મુદ્દે ગરમાયું રાજકારણ
અમારા પ્રતિનિધિ તરફથી       
અમદાવાદ, તા. 19 : કૉંગ્રેસના નેતા અને પાટીદાર અગ્રણી હાર્દિક પટેલની રાજદ્રોહ કેસમાં કોર્ટમાં મુદતે હાજર નહીં થવાથી કોર્ટ દ્વારા બિનજામીનપાત્ર વૉરંટ કાઢવામાં આવતા તેની ગઇકાલે રાતે ધરપકડ થઈ હતી અને કોર્ટ સમક્ષ હાજર કરતા તેને 24મી સુધી જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કરવામાં આવ્યો હતો. જોકે હાર્દિક પટેલની ધરપકડ મુદ્દે રાજકારણ ગરમાયું છે. 
કૉંગ્રેસના મહાસિચવ પ્રિયંકા ગાંધી વાડ્રા હાર્દિકના ધરપકડ મુદ્દે મેદાનમાં આવ્યાં છે અને તેમણે ટ્વીટ કરીને પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે, ભાજપ સતત હાર્દિક પટેલને પરેશાન કરી રહી છે. તે ખેડૂતોના અધિકાર અને યુવાઓના રોજગાર માટે લડી રહ્યાં છે. કૉંગ્રેસ નેતા હાર્દિક પટેલે લોકોનો અવાજ ઉઠાવ્યો છે. તેમના માટે નોકરી માંગી છે અને વિદ્યાર્થી માટે શિષ્યવૃત્તિની માંગ કરી છે. તેઓએ ખેડૂતો માટે પણ આંદોલન શરૂ કર્યાં છે, પરંતુ ભાજપ આને દેશદ્રોહ બતાવી રહી છે. 
પ્રિયંકા ગાંધીની ટિપ્પણી પર નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે રોકડું પરખાવતા જણાવ્યું હતું કે, પ્રિયંકાબેનને કાયદાની ખબર હોવી જોઇએ. હાર્દિકની ધરપકડ કોર્ટના આદેશથી થઈ છે. કોર્ટમાં કેસ ચાલુ હોય ત્યારે આરોપીએ મુદતના સમયે હાજર રહેવાનું હોય છે. કોર્ટની મુદતમાં હાજર ન રહેતા વૉરંટ નીકળ્યું હતું. આમાં રાજ્ય સરકાર કે પોલીસનો કોઈ રોલ નથી. આ આખી કાયદાકીય પ્રક્રિયા છે.  દેશમાં આવા અનેક બનાવો બન્યાં છે. 
નોંધનીય છે કે, પાટીદાર અનામત આંદોલન દરમિયાન પાસના કન્વિનર હાર્દિક પટેલ, કેતન પટેલ, દિનેશ બાંભણિયા અને ચિરાગ પટેલ વિરુદ્ધ રાજદ્રોહનો ગુનો નોંધાયો હતો. જેમાં ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ સામે કોર્ટમાં ચાર્જશીટ કરી છે. આ કેસની કાનૂની કાર્યવાહી સેશન્સ કોર્ટમાં ચાલે છે. સેશન્સ કોર્ટે અવલોકન કર્યું હતું કે, હાઈ કોર્ટની સૂચના છતાં વારંવાર કોર્ટમાં હાર્દિક પટેલ ગેરહાજર રહે છે તેથી તેની સામે બિનજામીનપાત્ર વૉરંટ ઇશ્યુ કરવામાં આવે છે. ગઇકાલેની સુનાવણીમાં આ કેસમાં અન્ય આરોપીઓ ચિરાગ પટેલ અને દિનેશ બાંભણિયા હાજર રહ્યાં હતાં. કોર્ટમાં પાટીદાર આંદોલન વખતના ઉપસચિવની ઉલટ તપાસ રાખવામાં આવી હતી અને તે આરોપીઓની વિનંતિથી રાખવામાં આવી હતી. દિનેશ બાંભણિયા અને ચિરાગ પટેલના વકીલ ઉલટ તપાસ માટે તૈયાર હતાં, પરંતુ હાર્દિક પટેલ હાજર રહ્યો ન હતો તેથી સુનાવણી ટળી હતી. આ કેસની હવે વધુ સુનાવણી 24મી જાન્યુઆરીએ હાથ ધરાશે. જોકે, આ દરમિયાન રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલ કોર્ટમાં હાજર ન રહેતા હાર્દિક પટેલ સામે બિનજામીનપાત્ર વૉરંટ ઇશ્યુ કરવામાં આવ્યું હતું. જેના પગલે સાઈબર ક્રાઇમ બ્રાન્ચે હાર્દિક પટેલની વિરમગાન નજીકની હાંસલપુર ચોકડીથી ધરપકડ કરી હતી. 
Published on: Mon, 20 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer