નીતિ આયોગના સભ્ય સારસ્વતે વિવાદી નિવેદન અંગે માફી માગી

નવી દિલ્હી, તા. 19 : નીતિ આયોગના સભ્ય વી કે સારસ્વતે એક વિવાદા સ્પદ નિવેદનમાં જણાવ્યું હતું કે, કાશ્મીરમાં ઇન્ટરનેટ ચાલુ ન હોવાને લીધે શું ફરક પડે છે લોકો નેટનો ઉપયોગ માત્ર અશ્લીલ ફિલ્મો નિહાળવા માટે જ કરે છે. આજે સારસ્વતે નિવેદન અંગે ખેદ પણ દર્શાવ્યો હતો.
સારસ્વતે કહ્યું હતું કે, રાજકારણીઓ કાશ્મીર શા માટે જવા માગે છે? તેઓ કાશ્મીરમાં દિલ્હીના માર્ગો પર થઈ રહેલા વિરોધ પ્રદર્શનોને ફરી સર્જવા માગે છે. તેઓ દેખાવોને ફેલાવવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. તેમણે જણાવ્યું હતું કે, કાશ્મીરમાં ઇન્ટરનેટ ન હોવાને લીધે શું ફરક પડે છે? તમે ત્યાં ઇન્ટરનેટ પર શું જોવાના છો? ત્યાં શું ઇ-ટેલિંગ થઇ રહી છે? ગંદી ફિલ્મો જોવા સિવાય ત્યાં કંઇ કરતા નથી.
ઉલ્લેખનીય છે કે, શનિવારે જ જમ્મુ અને કાશ્મીરના 10 જિલ્લામાં ટુ-જી સેવા પુન: શરૂ કરાઈ હતી, પણ સોશિયલ મીડિયા પર પ્રતિબંધ જારી રહેશે. ગઈકાલના સારસ્વતના નિવેદનના પગલે સોશિયલ મીડિયામાં હોબાળો મચ્યો હતો અને સરકારની પણ ટીકા થઈ રહી હતી. સારસ્વતે આજે પોતાના આ નિવેદન અંગે માફી માગીને વિવાદ પર પડદો પાડવાની અપીલ કરી હતી.
Published on: Mon, 20 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer