બે બાળકોની વાત મેં કરી જ નથી ભાગવત

બરેલી, તા. 19 : ઉત્તરપ્રદશમાં રવિવારે હિન્દુત્વનો મતલબ સમજાવવાની કોશિશ કરતાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અધ્યક્ષ મોહન ભાગવતે જણાવ્યું હતું કે, ભારતમાં વિવિધતાઓ વચ્ચે એક સાથે રહેવું જ હિન્દુત્વ છે. વધુમાં સૌને બે બાળકો હોવા જોઈએ એવું મેં કહ્યું જ નથી તેવું ભાગવતે આજે સ્પષ્ટ કર્યું હતું.
મેં તો એવું કહ્યું હતું કે, જનસંખ્યા સમસ્યાની સાથોસાથ સંસાધન પણ છે, એ જોતાં આ સંબંધમાં એક નીતિનો મુસદ્દો તૈયાર કરવો જોઈએ તેવું તેમણે ઉમેર્યું હતું.
ભાગવતે કહ્યું હતું કે, એક વ્યક્તિના કેટલાં બાળક હોવાં જોઈએ તે સરકારની નીતિ જ  નક્કી કરશે. વસતી નિયંત્રણ તળે બે બાળકના કાયદાને સંઘના સમર્થનના અહેવાલો તેમણે નકાર્યા હતા.
સ્વયંસેવકોને સંબોધતાં સંઘ સુપ્રિમોએ જણાવ્યું હતું કે, ભારત?હિન્દુઓનો દેશ છે તેવું આરએસએસ કાર્યકરો કહે ત્યારે સંઘ કોઈના ધર્મ, ભાષા કે જાતિ બદલવા માગે છે તેવો મતલબ જરા પણ નથી.
સંવિધાન કહે છે કે, આપણે ભાવનાત્મક એકતા લાવવાની કોશિશ કરવી જોઈએ. અમે સંવિધાન સિવાય કોઈ જ શક્તિકેન્દ્ર નથી ઈચ્છતા તેવી લાગણી ભાગવતે વ્યક્ત કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે, ભારતીયોએ વિવિધતા છતાં એક સાથે રહેવાનું છે અને તેને જ અમે હિન્દુત્વ કહીએ છીએ.
આ દેશ અમારે છે, અમે અમારા મહાન પૂર્વજોના વંશ જ છીએ તેવી ભાવનાની એકતા જ હિન્દુત્વ છે. કોઈના ધર્મ, જાતિ, ભાષાને બદલવાની વાત જ નથી તેવું સંઘના અધ્યક્ષે સ્પષ્ટ કર્યું હતું.
શિરડી સજ્જડ બંધ રહ્યું
શિરડી, તા. 19 : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે તરફથી સાંઈ બાબાના જન્મસ્થળને લઈને કરવામાં આવેલા નિવેદન ઉપર સતત વિવાદ ચાલી રહ્યો છે. રવિવારે શિરડીની બજારો પૂરી રીતે બંધ રહી હતી અને સડકો ઉપર વાહન પણ જોવા મળ્યા નહોતા. આ દરમિયાન શિરડીના શિવસેના સાંસદ સદાશિવ લોખંડેએ પણ બંધને સમર્થન આપ્યું હતું.બીજી તરફ વિવાદના કારણે ઉદ્ધવ પીછેહટ કરી રહ્યા છે અને સોમવારે વિવાદ ઉપર ચર્ચા માટે બેઠક બોલાવી છે. 
Published on: Mon, 20 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer