મેરેથોનમાં વધુ એકવાર ઈથોપિયાના દોડવીરોએ મારી બાજી

મેરેથોનમાં વધુ એકવાર ઈથોપિયાના દોડવીરોએ મારી બાજી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 19 : પ્રોકેમ ઈન્ટરનેશનલ દ્વારા રવિવારે આયોજિત તાતા મુંબઈ મેરેથોનની 17મી આવૃત્તિમાં એલિટ શ્રેણીમાં વધુ એકવાર ઈથોપિયાના દોડવીરોએ બાજી મારી હતી. કુલ 4,20,000 યુએસ ડૉલરના ઈનામો હતાં. એલિટ શ્રેણીમાં પ્રથમ ત્રણ આંતરાષ્ટ્રીય દોડવીરોને અનુક્રમે 45,000, 25,000 અને 17,000 યુએસ ડૉલરનું ઈનામ આપવામાં આવ્યું હતું. જ્યારે એલિટ શ્રેણીના પ્રથમ ત્રણ ભારતીય દોડવીરોને અનુક્રમે પાંચ, ચાર અને ત્રણ લાખ રૂપિયાનું ઈનામ મળ્યું હતું. 
એલિટ મેરેથોનમાં આંતરાષ્ટ્રીય દોડવીરોની પુરુષ શ્રેણીમાં ઈથોપિયાના ડેરેરા હુરીસાએ 2:08:09 કલાકમાં રેસ પૂરી કરીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. જ્યારે બીજા સ્થાને આવનરા ઈથોપિયાના આયેલે ઍબરોશે 2:08:20 કલાકમાં અને ત્રીજું સ્થાન પ્રાપ્ત કરનાર ઈથોપિયાના બિર્હાનુ તેશોમે 2:08:26 કલાકમાં રેસ પુર્ણ કરી હતી. આંતરરાષ્ટ્રીય મહિલા શ્રેણીમાં 2:24:51 કલાકમાં રેસ પૂરી કરનાર ઈથોપિયન દોડવીર ઍમેન બેરીસો પ્રથમ આવી હતી. જ્યારે બીજા સ્થાને આવનરા કેનિયાની રોહાદ જેપકોરીરે 2:27:14 સેકંડનો સમય લીધો હતો અને ત્રીજા સ્થાને આવેલ ઈથોપિયન દોડવીરે 2:28:56 સેકંડમાં રેસ પુર્ણ કરી હતી. 
એલિટ મેરેથોનમાં ભારતીયોની પુરુષ શ્રેણીમાં પ્રથમ સ્થાને 2:18:44 કલાકના સમય સાથે શ્રીનુ બુગાથા,  બીજા સ્થાને 2:24 કલાકના સમય સાથે શેર સિંગ અને ત્રીજા સ્થાને 2:24:03 કલાકના સમય સાથે દુર્ગા બહાદુર બુધા આવ્યાં હતાં. જ્યારે મહિલા શ્રેણીમાં 2:45:30 સેકંડના સમય સાથે પ્રથમ સ્થાને સુધા સિંગ, 2:49:14 કલાકના સમય સાથે બીજા સ્થાને જ્યોતી ગવતે અને 2:58:44 સેકંડના સમય સાથે ત્રીજા સ્થાને શ્યામલી સિંગ આવ્યાં હતાં. 
હાફ મેરેથોનમાં પુરુષોમાં પ્રથમ તિર્થા પૂન, દ્રિતિય સ્થાને માન સિંગ અને તૃતીય સ્થાને બલીઅપ્પા એબી આવ્યાં હતાં. જ્યારે હાફ મેરેથોન મહિલાઓમાં પ્રથમ પારૂલ ચૌધરી, બીજા સ્થાને આરતી પાટીલ અને ત્રીજા સ્થાને મોનિકા આથરે આવ્યાં હતાં. 
Published on: Mon, 20 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer