કે વી કામથ, સ્વપ્ન દાસગુપ્તા, અમિતાભ કાંત સહિતના ટેક્નોક્રેટ્સને પ્રધાનમંડળમાં સ્થાનની અટકળો

કે વી કામથ, સ્વપ્ન દાસગુપ્તા, અમિતાભ કાંત સહિતના ટેક્નોક્રેટ્સને પ્રધાનમંડળમાં સ્થાનની અટકળો
બજેટ અધિવેશન બાદ મોદી સરકારના પ્રધાનમંડળનો ગંજીફો ચિપાવાની શક્યતા
નવી દિલ્હી, તા. 19 : વડા પ્રધાન નરેન્દ્ર મોદી ન્યૂ ડેવલપમેન્ટ બૅન્કના પ્રમુખ કે વી કામથ અને રાજ્યસભાના સભ્ય સ્વપ્ન દાસગુપ્તાને કેન્દ્રના પ્રધાનમંડળમાં સ્થાન આપે એવી શક્યતા સમાચાર એજન્સીએ દર્શાવી છે. ઉચ્ચસ્તરિય સૂત્રોનો હવાલો આપીને ન્યૂઝ એજન્સી આઇએએનએસના અહેવાલમાં જણાવાયું હતું કે 72 વર્ષના કામથને રાજ્યકક્ષાના નાણા પ્રધાન અને 64 વર્ષના દાસગુપ્તાને માનવ સંશાધન વિકાસ વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન બનાવાય એવી શક્યતા છે.
મોદી ટુ સરકારને આઠ મહિના થયા છે અને આગામી બજેટ અધિવેશન બાદ પ્રધાનમંડળનો ગંજીફો ચિપાવાની અટકળો પણ તેજ થઇ છે. કેન્દ્રના કેટલાંક મહત્ત્વના વિભાગોના પ્રધાનોમાં ટેકનિકલ નિષ્ણાતો કે ટેક્નોક્રેટની અછત વર્તાય રહી હોવાથી સરકાર કામથ અને દાસગુપ્તાને પ્રધાનમંડળમાં સ્થાન આપીને આ ખોટ પૂરવા માગે છે, એવી અટકળો થઇ રહી છે. 
હાલમાં કામથ શાંઘાઇમાં મુખ્યાલય ધરાવતી બ્રિક્સ બૅન્ક તરીકે પણ ઓળખાતી ન્યૂ ડેવલપમેન્ટ બૅન્કના અધ્યક્ષ પદે છે. અગાઉ કામથ આઇસીઆઇસીઆઇ બૅન્ક અને ઇન્ફોસિસના ચૅરમેન પદે પણ રહી ચૂક્યા છે. તેથી તેમને મોદી સરકારમાં રાજ્યકક્ષાના નાણા પ્રધાન બનાવાય એવી ભરપૂર શક્યતા આ અહેવાલમાં વ્યક્ત કરાઇ હતી.
હાલમાં દેશના અર્થતંત્રમાં સુસ્તી હોવાથી કામથ જેવા ટેકનોક્રેટને નાણા વિભાગમાં મહત્ત્વની જવાબદારી આપવાથી અર્થતંત્રને વેગીલું કરવાની સરકારની ગણતરી હોવાનું ઉચ્ચસ્તરિય સૂત્રોએ એજન્સીને જણાવ્યું હતું.
જમણેરી વિચારધારાના પ્રોત્સાહક અને લોકસભાની ચૂંટણીમાં પશ્ચિમ બંગ ભાજપ માટે ઉજળી કામગીરી કરનારા દાસગુપ્તાને પણ તેમના વહિવટી અનૂભવને ધ્યાનમાં લઇને બઢતી મળવાની શક્યતા સૂત્રોએ વ્યક્ત કરી હતી. તાજેતરમાં યુનિવર્સિટીઓના કેમ્પસોમાં વિદ્યાર્થી આંદોલનો અને માનવાધિકાર સંબંધી ચર્ચાએ જોર પકડયું છે તેથી દાસગુપ્તાને કદાચ માનવ સંશાધન વિકાસ વિભાગમાં રાજ્યકક્ષાના પ્રધાન બનાવાય એવી શક્યતા છે. એજન્સીના અહેવાલમાં એવું પણ કહેવાયું હતું કે સરકારને વધુ ટેક્નોક્રેટની જરૂર પડશે તો નીતિ આયોગના ચીફ એક્ઝિક્યુટિવ અૉફિસર અમિતાભ કાંતને પણ પ્રધાનમંડળમાં સ્થાન મળી શકે છે. આ સાથે જ અગાઉ મોદી સરકારમાં રેલવે પ્રધાન બની ચૂકેલા સુરેશ પ્રભુને પણ કેબિનેટમાં સ્થાન મળી શકે છે. 
Published on: Mon, 20 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer