ભારતે છેલ્લી વન-ડેમાં અૉસ્ટ્રેલિયાને સાત વિકેટે હરાવી શ્રેણી જીતી લીધી

ભારતે છેલ્લી વન-ડેમાં અૉસ્ટ્રેલિયાને સાત વિકેટે હરાવી શ્રેણી જીતી લીધી
રોહિત શર્માની વધુ એક સદી (119), કૅપ્ટન કોહલીના 89 રન: અૉસ્ટ્રેલિયાના નવ વિકેટે 289 રનનો સ્કોર ભારતે 47.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને આંબ્યો
બેંગ્લુરુ, તા. 19: રોહિત શર્માની વધુ એક શાનદાર સદી અને કેપ્ટન વિરાટ કોહલીની જવાબદારીભરી 89 રનની ઇનિંગની મદદથી ભારતે ઓસ્ટ્રેલિયા સામેનો ત્રીજી અને નિર્ણાયક વન-ડે મેચ 7 વિકેટે જીતીને 3 મેચની શ્રેણી 2-1થી કબજે કરી છે. આ સાથે જ ટીમ ઇન્ડિયાએ ઘરેલુ ધરતી પર સતત સાતમી વન-ડે શ્રેણીમાં વિજય હાંસલ કર્યો છે. ઓસ્ટ્રેલિયાના 9 વિકેટે 286 રનના પડકારરૂપ સ્કોરનો પીછો કરતા ભારતે 15 દડા બાકી રાખીને 47.3 ઓવરમાં માત્ર 3 વિકેટ ગુમાવીને 289 રન કરી 7 વિકેટે ધરખમ જીત મેળવી હતી. આ જીત સાથે ટીમ ઇન્ડિયાએ ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે મળેલી 2-3ની શ્રેણી હારનો પણ હિસાબ બરાબર કર્યો છે. આજના મેચમાં સ્ટીવન સ્મીથે પણ સદી (131) કરી હતી. પણ તેની આ સદી બેકાર સાબિત થઇ હતી. ભારત તરફથી આજે ફરી એકવાર શમીએ કાતિલ બોલિંગ કરીને 4 વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયાએ તેની ઇનિંગની આખરી 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી હતી. આથી તે 300ના સ્કોરની અંદર અટકી ગયું હતું.
286 રનનો પીછો કરતા ભારતે સંગીન શરૂઆત કરીને પ્રથમ વિકેટમાં 69 રનની ભાગીદારી કરી હતી. શિખર ધવન ઇજાગ્રસ્ત હોવાથી રોહિત સાથે રાહુલે ભારતના દાવનો પ્રારંભ કર્યો હતો. રાહુલ 19 રને આઉટ થયો હતો. આ પછી વિશ્વ ક્રિકેટની નંબર વન જુગલ જોડી રોહિત શર્મા અને વિરાટ કોહલીએ કાંગારુ બોલરોને હંફાવીને બીજી વિકેટમાં 145 દડામાં 137 રનની ભાગીદારી નોંધાવી હતી. આ દરમિયાન રોહિત શર્માએ તેની વધુ એક વન-ડે સદી ફટકારી હતી. ભારતની જીત નિશ્ચિત બનાવીને તે 128 દડામાં 8 ચોક્કા અને 6 છક્કાથી 119 રને આઉટ થયો હતો. જયારે ભારતના વિજયની ઔપચારિકતા બાકી હતી ત્યારે કેપ્ટન કોહલી 91 દડામાં 8 ચોક્કાથી 89 રન કરીને આઉટ થયો હતો. અંતમાં યુવા શ્રેયસ અય્યર 35 દડાની આક્રમક ઇનિંગ દરમિયાન છ ચોક્કા અને 1 છક્કાથી 44 રને અને મનીષ પાંડે 8 રને અણનમ રહ્યા હતા. ભારતે 47.3 ઓવરમાં 3 વિકેટે 289 રન કરીને 7 વિકેટે સરળ જીત મેળવી હતી. અને 3 મેચની શ્રેણી 2-1થી કબજે કરી હતી.
Published on: Mon, 20 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer