CAAના મુદ્દે કૉંગ્રેસમાં મતભેદ

CAAના મુદ્દે કૉંગ્રેસમાં મતભેદ
સિબલ પછી ખુરશીદે પણ સીએએ નકારતા રાજ્યોને ચેતવ્યા
નવી દિલ્હી, તા.19: વિપક્ષી દળોનાં શાસનવાળા રાજ્યો તરફથી નાગરિકતા સુધારા કાયદાને લાગુ કરવાનાં ઈનકાર વચ્ચે કોંગ્રેસનાં બે વરિષ્ઠ નેતાઓએ ભારપૂર્વક આવું કરવું મુશ્કેલ ગણાવી દીધું છે. કપિલ સિબલ બાદ હવે સલમાન ખુરશીદે પણ કહ્યું છે કે, જ્યાં સુધી આવા મામલામાં સુપ્રીમ કોર્ટ હસ્તક્ષેપ ન કરે ત્યાં સુધી સંવિધાનનું પાલન કરવું પડે. અન્યથા તેનાં દુષ્પરિણામો આવી શકે છે. 
એક બાજુ કોંગ્રેસનાં બે વરિષ્ઠ અને કાનૂની નિષ્ણાંત નેતાઓ દ્વારા કેન્દ્રનાં કાયદાને રાજ્યમાં રોકવાનાં પગલાંને નિવારવાની સલાહ આપવામાં આવી છે ત્યારે બીજીબાજુ તેમનાં જ પક્ષ, કોંગ્રેસ શાસિત વધુ રાજ્યો દ્વારા સીએએ વિરોધી ઠરાવો વિધાનસભામાં પસાર કરાવવાની તૈયારીઓ ચાલી રહી છે.
કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અહેમદ પટેલનાં કહેવા અનુસાર કોંગ્રેસ શાસિત અન્ય રાજ્યોમાં પણ પંજાબની જેમ સીએએ વિરુદ્ધ પ્રસ્તાવ પસાર કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ આવા પ્રસ્તાવો લાવવાનો વિચાર છે. આ પ્રસ્તાવ કેન્દ્રને કાયદા વિશે ફેરવિચાર કરવાનો સ્પષ્ટ સંદેશ હશે.
દરમિયાન પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હમીદ અંસારીએ કહ્યું હતું કે, જ્યારે સંસદ કોઈ ખરાબ કાયદો ઘડી નાખે છે ત્યારે જે કાર્ય કાયદાનાં ઘડવૈયાઓએ કરવાનું હોય છે તે કામ અદાલત કરતી હોય છે. 
કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અને વ્યવસાયે વકીલ સલમાન ખુરશીદે સિબલની વાતને સમર્થન આપતાં કહ્યું હતું કે, જ્યાં સુધી કાયદાની બાબતમાં સુપ્રીમ કોર્ટ દખલ કરે નહીં ત્યાં સુધી બંધારણનું પાલન કરવું જ પડે અને જો તે ન કરવામાં આવે તો તેનાં પરિણામો સારા નથી હોતા. જો કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કોઈ કાયદા બારામાં મતભેદો સર્જાય તો અંતિમ નિર્ણય સુપ્રીમ કોર્ટનાં હાથમાં હોય છે અને ત્યાં સુધી રાહ જોવી જ પડે. સીએએ લાગુ ન કરવો શક્ય નથી કારણ કે તેવું કરવું ગેરબંધારણીય બની જાય છે.
તો બીજી બાજુ હમીદ અંસારીએ દિલ્હીમાં એક સમારોહમાં કહ્યું હતું કે, સારા કાયદાઓ ત્યારે બને છે ત્યારે તત્કાલીન શાસકનાં દૃષ્ટિકોણને સંસદ અને વિધાનગૃહોને અનુમોદન આપવા ફરજ પાડવામાં આવતી નથી. આમ છતાં ખરાબ કાયદો બની જાય તો આખરે તે સર્વોચ્ચ અદાલતમાં પહોંચતો હોય છે અને ત્યાં વિધાયકોનાં કાર્ય આખરે અદાલતે કરવાનાં થાય છે. 
 કૉંગ્રેસ તરફથી મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ નાગરિકતા કાનૂન સંબંધી કેરલ અને કેન્દ્રના વિવાદ સંબંધે આજે જણાવ્યું હતું કે કેન્દ્રને પડકારવાનો રાજ્ય સરકારને અધિકાર છે અને જ્યાં સુધી સુપ્રીમ કોર્ટનો ચૂકાદો ન આવે ત્યાં સુધી કેન્દ્ર કોઇ `ગેરબંધારણિય' કાનૂનને પરાણે રાજ્યોમાં અમલમાં ન લાવી શકે. સુરજેવાલાએ એક યાદીમાં એમ પણ કહ્યું હતું કે નાગરિકતા સુધારિત કાયદો દેશના બંધારણ પર હુમલા સમાન છે અને આ કાયદા સામે ચાલી રહેલા આંદોલન અને દેખાવો નિર્ભયપણે ચાલુ રહેવા જોઇએ. સુરજેવાલાએ વધુમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ પર આક્ષેપ કર્યો હતો કે આવા કાયદાથી આ જોડી દેશમાં ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી રહ્યાં છે. આ બંને સત્તાનો દૂરુપયોગ કરીને દેશના આત્મા અને બંધારણ પર હુમલા કરી રહ્યા છે.    
Published on: Mon, 20 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer