હવે એસી લોકલમાં પણ શોપિંગ કરી શકાશે

મુંબઈ, તા. 20 : ટૂંક સમયમાં ચર્ચગેટ-વિરાર એસી લોકલમાં તમે શોપિંગ પણ કરી શકશો. પશ્ચિમ રેલવેએ ગયા વરસે લાંબા અંતરની ટ્રેનોમાં `શોપિંગ અૉન વ્હીલ'ની શરૂઆત કરી હતી, પરંતુ પહેલીવાર એ લોકલ ટ્રેનમાં શરૂ કરાઈ રહી છે.
સૂત્રના જણાવ્યા મુજબ વિક્રેતાને સ્કિન અને હેર કૅર પ્રોટક્ટસ, કૉસ્મેટિકસ, આરોગ્ય સંબંધિત ઉત્પાદનો, લેપટોપ અને મોબાઈલની સામગ્રી, નાનાં રમકડાં અને સ્ટેશનરી છાપેલ વેચાણ કિંમતથી વેચી શકશે. એસી લોકલમાં ટ્રોલી લઈને વેચાણ કરી શકે એવી વ્યક્તિઓની નિમણૂકની પ્રક્રિયા શરૂ કરી છે. ટ્રોલી ત્રણ ફૂટ ઊંચી અને એક ફૂટ પહોળી હશે. ટ્રેનમાં ચાર સેલ્સમેન બે ટ્રોલી લઈ માલસામાનનું વેચાણ કરશે. પશ્ચિમ રેલવેના અધિકારીએ જણાવ્યું કે, આ સેલ્સમેન બૂમો પાડી શકશે નહીં કે પ્રવાસીઓને માલ ખરીદવા આગ્રહ કરી શકશે નહીં. સેલ્સમેનને યુનિફોર્મ અને આઈ-કાર્ડ આપવામાં આવશે. પ્રવાસીઓ કેટલોગ જોઈ માલની ખરીદી કરી શકશે. નામ ન આપવાની શરતે એક અધિકારીએ જણાવ્યું કે, શરૂઆતમાં સવારના 8થી રાત્રે 9 વાગ્યા સુધી એસી લોકલમાં વેચાણ કરવાની પરવાનગી અપાશે અને વિક્રેતા સાથે પાંચ વરસનો કરાર કરાશે. રેલવે પ્રશાસન પહેલીવાર ભાડાં સિવાયની આવક ઊભી કરવા પરાંની લોકલ ટ્રેનનો ઉપયોગ કરી રહી છે. 

Published on: Mon, 20 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer