અૉસ્ટ્રેલિયન ઓપન : મુગુરુઝા, પ્લિસકોવા, મેદવેદેવની આગેકૂચ

અૉસ્ટ્રેલિયન ઓપન : મુગુરુઝા, પ્લિસકોવા, મેદવેદેવની આગેકૂચ
મેલબોર્ન, તા. 23 : ઓસ્ટ્રેલિયન ઓપનના ચોથા દિવસે આજે વરસાદના લીધે મોટાભાગના મેચ ચાર કલાક  મોડા શરૂ થયા હતા. આજે બે વખતની ગ્રાન્ડસ્લેમ વિજેતા ફ્રાંસની મહિલા ખેલાડી ગાર્બિન મુગુરુઝા સંઘર્ષ પછી જીતી હતી. તેણે ઓસ્ટ્રેલિયાની અજલા ટોમજાનોવિચને 6-3, 3-6, 6-3થી હાર આપી હતી. ક્રોએશિયાની ડોના વેવિક અને ઝેક રિપબ્લિકની કેરોલિના પ્લિસકોવા પણ ત્રીજા રાઉન્ડમાં પહોંચી છે. મેન્સ સિંગલ્સમાં વર્લ્ડ નંબર-4 રશિયાનો ડેનિયલ મેદવેદેવે પણ આગેકુચ કરવામાં સફળ રહ્યો છે.
મુગુરુઝા 2017માં વિમ્બલ્ડન અને 2016માં ફ્રેન્ચ ઓપન ચેમ્પિયન બની હતી. મહિલા સિંગલ્સમાં ડોનાએ ફ્રાન્સની એલિજ કોર્નેટને 6-4, 6-2 થી હરાવી. તે પહેલીવાર ટૂર્નામેન્ટના ત્રીજા રાઉન્ડમાં પહોંચી. કેરોલિનાએ જર્મનીની લોરા સીજમંદને 6-3, 6-3થી હાર આપી હતી. વર્લ્ડ નંબર-7 બેલિન્ડા બેનસિયે લાત્વિયાની જેલેના ઓસ્તાપેનકોને 7-5, 7-5 થી હરાવી હતી. તે પિતાના નિધન બાદ ઓસ્ટ્રેલિયન ઓપનમાં રમી રહી હતી.

Published on: Fri, 24 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer