વૈશ્વિક વલણને અવગણી સેન્સેક્ષ - નિફ્ટી વધ્યા

મહદ્અંશે વેચાણ કપાવા સાથે ક્રૂડતેલની નબળાઈથી સુધારો
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 23 : વૈશ્વિક સ્તરે મહત્ત્વના શૅરબજારોમાં નોંધપાત્ર ઘટાડા સાથે ભારતીય શૅરબજારો આજે સુધારા સાથે બંધ થયાં હતાં. જોકે, અગાઉના ત્રણ સેશનમાં આવેલા સતત ઘટાડાથી કરેક્શન પછી આજે મુખ્યત્વે સંસ્થાકીય અને વિદેશી સંસ્થાઓએ નફાતારવણી માટે વેચાણ કાપવાથી આ સુધારો નોંધાયો હોવાનું બજારના દલાલોનું અનુમાન છે. આજે અમેરિકાએ પુન: ચીન પર શેરીફ વધારવા ધમકી આપવા સાથે ચીનમાં નવા વાયરસની ચેતવણીને લીધે સ્થાનિકમાં શૅરો આઠ મહિનામાં સૌથી વધુ ઘટયા હતા. જેની સીધી અસરથી વિશ્વનાં બજારોમાં ઘટાડો નોંધાયો હતો જોકે ક્રૂડતેલના ભાવ ઘટવાથી સ્થાનિક બજારમાં સેન્ટીમેન્ટ સુધર્યું હતું.
સ્થાનિકમાં એનએસઈમાં નિફ્ટી શરૂઆતમાં ધીમા સુધારે ખૂલીને નીચેમાં 12094 ગયા સાથે ઉપરમાં 12189ની ટોચ દર્શાવીને ટ્રેડ અંતે 73 પોઇન્ટના સુધારે 12180 બંધ રહ્યો હતો. બીએસઈમાં સેન્સેક્ષ 271 પોઇન્ટ વધીને 41386ના સ્તરે બંધ રહ્યો હતો. આજે સુધારાની આગેવાની લેનાર ક્ષેત્રમાં ઊર્જા, નાણાસેવા, બૅંકિંગ, એલ ઍન્ડ ટી, ઇન્ફોસિસ જેવા શૅરો નોંધમાત્ર સુધર્યા હતા. સૌથી વધુ સુધરવામાં એલ ઍન્ડ ટી રૂા. 38, એસબીઆઈ રૂા. 7, બીપીસીએલ રૂા. 14, આઇઓસી રૂા. 5, ટાયટન રૂા. 26, એક્સિસ બૅન્ક રૂા. 10, એચસીએલ ટેક રૂા. 8, હીરો મોટર્સ રૂા. 31, કોટક બૅન્ક રૂા. 32, મહિન્દ્રા રૂા. 13, ઇન્ફોસિસ રૂા. 13, કોટક બૅન્ક રૂા. 32 અને ઇન્ડસઇન્ડ બૅન્કમાં રૂા. 14નો વધારો મુખ્ય ગણાય. જેની સામે દબાણમાં ઘટનાર શૅરમાં જાહેર ક્ષેત્રના કેટલાક શૅરો ઉપરાંત બજાજ અૉટો રૂા. 11, બજાજ ફાઇનાન્સ રૂા. 16, ટીસીએસ રૂા. 16, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રૂા. 6, યુપીએસ રૂા. 21, ઝી રૂા. 21, ટેક મહિન્દ્રા રૂા. 10, સીપ્લા રૂા. 7, નોંધાયા હતા.
આજે વ્યક્તિગત શૅરમાં યસ બૅન્ક છ ટકા, આઈઓસી 6 ટકા, ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ 6 ટકા, એનઆઈઆઈટી 9 ટકા વધ્યા હતા. આજે નીચેના ભાવે મુખ્ય શૅરમાં સટ્ટાકીય લેવાલીથી મોટા ભાગના ઇન્ડેક્સ સુધારે હતા. મીડિયા ઇન્ડેક્સ બે ટકા ઘટયો હતો. પીએસયુ ઇન્ડેક્સ 1.16 ટકા, રિયલ્ટી બે ટકા, ઊર્જા અડધો ટકા સુધારે રહ્યા હતા. બીએસઈમાં મીડકેપ ઇન્ડેક્સ 1 ટકો વધીને 15702ની ટોચે હતો. સ્મોલકેપ 1 ટકા ઊંચે 14772ના લેવલે બંધ રહ્યો હતો.
ટેક્નિકલી ચાર્ટ પર ટૂંકાગાળા માટે હવે 12125નો ટેકો અને 12225 ઉપર 12272 મહત્ત્વપૂર્ણ પ્રતિકાર સપાટી બની છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં ઘટાડો લંબાવાની સ્થિતિમાં સ્થાનિકમાં નિફ્ટી 12000ની સપાટી નીચે ટ્રેડ દરમિયાન ક્વૉટ થઈ શકે છે. હવે આગામી 30 જાન્યુઆરી ગુરુવારે એફએન્ડઓ અને તા. 1 ફેબ્રુઆરીએ અંદાજપત્ર હોવાથી આજે વીઆઈએક્સ ઇન્ડેક્સ ત્રણ ટકા વધ્યો હતો. જેથી આગામી પખવાડિયા દરમિયાન વધઘટ તીવ્ર બનવાના સ્પષ્ટ એંધાણ રહે છે.
વૈશ્વિક બજારો
ચીન પર પુન: ટેરીફ વધારવાની અમેરિકાની નવી ચીમકીથી ચીનમાં શૅરો ઝડપથી તૂટતાં શૅરબજાર આઠ મહિનાના સૌથી મોટા ઘટાડે ક્વૉટ થયું હતું. જેની સીધી અસરથી એશિયાનો મુખ્ય એમએસસીઆઈ બ્રોડેસ્ટ 1.07 ટકા અને ચીનમાં શૅરબજાર 3.04 ટકા ઘટયા હતા. હૉંગકૉંગમાં હેંગસેંગ બે ટકા, જપાનનો નિફ્ટી ઇન્ડેક્સ એક ટકા ઘટયો હતો. યુરોપનો મુખ્ય યુરો સ્ટોક્સ 50 વાયદો 0.4 ટકા દબાણમાં હતો.
Published on: Fri, 24 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer