કૉંગ્રેસે એનપીઆર, સીએએ મુદ્દે ભાજપ પર પ્રહાર કરી `ભારતીય જિદ્દી પાર્ટી'' ગણાવી

આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 23 : કૉંગ્રેસે ગુરુવારે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (એનપીઆર), સિટિઝનશિપ એમેન્ડમેન્ટ ઍકટ (સીએએ) અને નેશનલ રજિસ્ટર અૉફ સિટિઝન્સ (એનસીઆર)ના મુદ્દે મોદી સરકાર પર નવેસરથી પ્રહાર કર્યા હતા. પક્ષે એવો આરોપ મૂક્યો હતો કે વર્તમાન સંદર્ભમાં એનપીઆર, સીએએ અને એનઆરસી ત્રણેય એક જ પૅકેજનું મિશ્રણ છે અને સરકારે લોકોના મગજમાં ભય અને અવિશ્વાસનું વાતાવરણ ઊભું કર્યું છે.
કૉંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું હતું કે સરકારની વિરુદ્ધમાં શંકા અને અવિશ્વાસનું મિશ્રણ સર્જાયું છે અને તેને ટાળવું જોઈએ, જ્યારે વાતાવરણ ભયનું હોય ત્યારે અવિશ્વાસ પેદા થાય એ સ્વાભાવિક છે અને તમારી પાસે એવા કાયદા છે કે ભયમાં 10 વખત વધારો થાય તેમ છે.
એનપીઆરની કેટલીક કલમો વૈકલ્પિક છે એવું કહેનારા કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકર પર સિંઘવીએ પ્રહાર કરતાં જણાવ્યું હતું કે `જો વૈકલ્પિક હોય તો તેને સ્થાન શા માટે? અને જો વૈકલ્પિક કોલમ ભરવામાં ન આવે તો તે વ્યક્તિને શંકાશીલ વ્યક્તિની યાદીમાં મૂકવાની તક વધી જશે. કેન્દ્રના ગૃહપ્રધાન જ્યારે એમ કહે છે કે સીએએને પાછો નહીં ખેંચાય ત્યારે એ દેશના નાગરિકો તરફથી લાપરવાહી બતાવે છે. આ તો ભારતીય જિદ્દી પાર્ટી છે. સરકાર લોકોથી ગભરાતી હોવી જોઈએ એને બદલે લોકો સરકારથી ગભરાઈ રહ્યા છે એમ સિંઘવીએ જણાવ્યું હતું.
કૉંગ્રેસે જણાવ્યું હતું કે જ્યારે કોઈ રાજ્ય એમ કહે છે કે તે સીએએનો અમલ નહીં કરે તો તેમાં કશું ખોટું નથી. ઘણી અરજીઓ પડી છે અને ઘણાં રાજ્યો આર્ટિકલ 131 હેઠળ સત્તાનો ઉપયોગ કરી રહ્યાં છે ત્યારે રાજ્યોને એમ કહેવાનો હક્ક છે કે તેઓ અમલ નહીં કરે કારણ કે આ કાયદાને સર્વોચ્ચ અદાલતમાં પડકારવામાં આવ્યો છે. સર્વોચ્ચ અદાલતના નિર્ણય બાદ ગુંચવાડો દૂર થશે.
Published on: Fri, 24 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer