દોષિતોને ફાંસી અંગે સમર્થન બદલ નિર્ભયાની માતાએ કંગનાનો આભાર માન્યો

ઈન્દિરા જયસિંહ ઉપર માનવઅધિકારના નામે બિઝનેસ કરવાનો આરોપ
નવી દિલ્હી, તા. 23 : બોલિવૂડમાં બેબાક અભિનેત્રીની છબી ધરાવતી કંગના રણોતે નિર્ભયાના અપરાધીઓને છડેચોક ફાંસી આપવાની માગણી કરી છે. કંગનાના નિવેદન ઉપર નિર્ભયાની માતાએ પણ સહમતિ વ્યક્ત કરતા કહ્યું હતું કે, તે પોતાની પુત્રીને ન્યાય મળે તે માટે લડી રહ્યા છે. વધુમાં કંગના તરફથી મળેલા સમર્થન માટે આભાર પણ વ્યક્ત કર્યો હતો. તેમજ કહ્યું હતું કે તે મહાન બનવા નથી માગતા માત્ર પુત્રી માટે ન્યાય ઈચ્છે છે. આ સાથે ઈન્દિરા જયસિંહ ઉપર ફરીથી પ્રહાર કરતા કહ્યું હતું કે, ઈન્દિરા જયસિંહ જેવા લોકો માનવઅધિકારના નામે ધંધો કરે છે અને માત્ર અપરાધીઓનું સમર્થન કરે છે.
વરિષ્ઠ વકીલ ઈન્દિરા જયસિંહે નિર્ભયાની માતા આશા દેવી સમક્ષ અપરાધીઓને માફ કરવાની વાત કરી હતી. જેનો આશા દેવીએ અગાઉ પણ જવાબ આપ્યો હતો. હવે કંગના તરફથી અપરાધીઓને જાહેરમાં ફાંસીના માચડે લટકાડવાનું નિવેદન આપવામાં આવ્યા બાદ ફરી એક વખત આશા દેવીએ જયસિંહ ઉપર પ્રહાર કર્યો હતો અને કહ્યું હતું કે, તે માનવઅધિકારના નામે સમાજને દગો આપે છે અને બાળકીઓ ઉપર થતા અપરાધોની મજાક છે. આવા લોકો માનવઅધિકારના નામે ધંધો ચલાવે છે અને માત્ર અપરાધીઓને સમર્થન આપે છે. કંગનાએ ફિલ્મ પ્રીમિયર દરમિયાન કહ્યુ હતું કે, બળાત્કારી માઈનર ન હોય શકે. આવા લોકોને છડેચોક મારવા જોઈએ અને ફાંસી આપવી જોઈએ. જેથી બળાત્કાર શું છે તે ખ્યાલ રહે અને સજા યાદ રહે. કંગના રણોતે પણ ઈન્દિરા જયસિંહ ઉપર અગાઉ પ્રહાર કર્યો હતો અને તેઓને ચારેય અપરાધીઓ સાથે 4 દિવસ જેલમાં રાખવા જોઈએ તેમ કહ્યું હતું.
Published on: Fri, 24 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer