દેશનું પ્રથમ અને ગુજરાતનું ત્રીજું એલએનજી ટર્મિનલ રૂા.5000 કરોડના ખર્ચે મુંદ્રામાં કાર્યરત

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 23: રાજ્યમાં ઔદ્યોગિક વિકાસ થાય અને રોજગારીનું પ્રમાણ વધે તે માટે જી.એસ.પી.સી. એલ.એન.જી. લિમિટેડ દ્વારા નેચરલ ગૅસ માટે વધુ એક નક્કર કદમ ઉઠાવીને રૂા. 5000 કરોડના ખર્ચે દેશનું પ્રથમ અને ગુજરાતનું ત્રીજું એલ.એન.જી. ટર્મિનલ કચ્છના મુંદ્રા ખાતે કાર્યરત કર્યું છે. જેમાં પાંચ એમ.એમ.ટી.પી.એ. એલ.એન.જી. રિસિવિંગ, સ્ટોરેજ અને રિગૅસીફિકેશન ટર્મિનલ કાર્યરત કરાયું છે. 
જી.એસ.પી.સી. એલ.એન.જી. લિમિટેડ ના પ્રેસિડેન્ટ અનિલ જોષીએ જણાવ્યું હતું કે, કચ્છના મુંદ્રા ખાતે વિકસાવવામાં આવેલ આ ટર્મિનલમાં રિસિવિંગ, સ્ટોરેજ અને રિગૅસીફિકેશન સુવિધા ઉપલબ્ધ બની છે. આ ટર્મિનલ ઉપર મુર્વાબ નામનું એલ.એન.જી. શિપ (કમિશનિંગ કાર્ગો) તાજેતરમાં કતારથી આવી પહોંચ્યું છે. આ ટર્મિનલ દ્વારા મુંદ્રા આસપાસના નેચરલ ગૅસ ગ્રાહકોને ખાસ કરીને મોરબી-વાંકાનેર વિસ્તારના સિરામિક ઉદ્યોગો, જામનગરની રિફાઇનરીઓ તથા કચ્છ-સૌરાષ્ટ્રના ઔદ્યોગિક એકમોને એલ.એન.જી.ની સવાઓ પૂરી પાડવામાં બીજો વિકલ્પ ઉપલબ્ધ થયો છે. આ ટર્મિનલ નેચરલ ગૅસની ઉપલબ્ધતામાં વધારો કરશે, તેમ જ ઔદ્યોગિક, શહેરી, ગૅસ, ખાતર, પાવર, રિફાઇનિંગ અને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રના હજારો ઉદ્યોગ સાહસિકોને લાભ અપાશે અને ગુજરાત સહિત વિવિધ ક્ષેત્રો રૂા. 30 હજાર કરોડ સુધીના રોકાણ સાથે રોજગારીની વ્યાપક તકોનું નિર્માણ થશે. 
જોષીએ ઉમેર્યું કે, મુંદ્રા ખાતેનું આ એલ.એન.જી. ટર્મિનલ પશ્ચિમ ભારત અને ઉત્તર અંતરિયાળ વિસ્તારનાં બજારોને ઊર્જા-ગંગા માળખા અંતર્ગત આવનાર જી.આઇ.જી.એલ.ની મહેસાણા-ભટિંડા, જી.આઇ.ટી.એલ. અને અન્ય મુખ્ય પાઇપલાઇનની સેવા પૂરી પાડવામાં સરળતા રહેશે. મુંદ્રા એલ.એન.જી. ટર્મિનલ ભવિષ્યમાં અન્ય ગ્રીન ફિલ્ડ એલ.એન.જી. પ્રોજેક્ટ્સની તુલનામાં ઓછા ખર્ચે 5થી 10 એમ.એમ.ટી.પી.એ. અને સંભવિત 20 એમ.એમ.ટી.પી.એ. સુધીની વિસ્તારણ કરવાની સંભાવના ધરાવે છે. 
અત્રે ઉલ્લેખનીય છે કે, આ ટર્મિનલ ઉપર વિકસાવેલ સુવિધાઓમાં પ્રત્યેક 1,60,000 ઘન મીટર કેપેસિટી ધરાવતી બે એલ.એન.જી. સ્ટોરેજ ટેન્ક, રિગૅસીફિકેશન માટે પાંચ ઓપન રેક વેપોરાઇઝર અને 75,000થી 2,60,000 ઘન મીટર સુધીના કદના એલ.એન.જી. જહાજો લાંગરવા માટે સક્ષમ એવી એલ.એન.જી. જેટીનો સમાવેશ થાય છે. આ ટર્મિનલમાં એલ.એન.જી. ટ્રક લોડિંગ માટેની સુવિધા પણ છે. ટર્મિનલમાંથી નેચરલ ગૅસ ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ (જી.એસ.પી.એલ.)ની ગૅસ ગ્રીડ દ્વારા મોકલવામાં આવશે. આવનાર પખવાડિયામાં ટર્મિનલના કમિશનિંગ હેતુ ટેન્ક અને આર.એલ.એન.જી. કાઢવા માટેની રિગૅસીફિકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની વિવિધ એલ.એન.જી. સુવિધાઓની કુલ ડાઉન પ્રવૃત્તિઓ કરવામાં આવશે. આ પ્રવૃત્તિઓ પૂર્ણ થયા પછી ટર્મિનલ નિયમિત એલ.એન.જી. કાર્ગો મેળવવા તૈયાર થઇ જશે અને ગુજરાત રાજ્ય અને ભારતની ઊર્જા સુરક્ષામાં વધારો કરશે. 
આ અદ્યતન એલ.એન.જી. ટર્મિનલ વર્ષ 2030 સુધી એકંદરે એનર્જી બાસ્કેટમાં નેચરલ ગૅસનો હિસ્સો 6.5 ટકાથી 15 ટકા સુધી વધારવાના દેશના ગૅસ આધારિત અર્થવ્યવસ્થાના દૃષ્ટિકોણને સાકાર કરવામાં મદદરૂપ નીવડશે. મુંદ્રા એલ.એન.જી. ટર્મિનલ મુખ્યત્વે પ્રમોટર કંપનીઓ અને શરૂઆતના મોટા ગ્રાહકોને ટોલિંગ મોડેલ આધારિત સેવાઓ પૂરી પાડશે. જે ભારતમાં વાઇબ્રન્ટ ગૅસ/એલ.એન.જી. માર્કેટ બનાવવામાં અને દેશમાં પ્રસ્તાવિત ગૅસ ટ્રેડિંગ હબના નિર્માણમાં મદદરૂપ થશે. 
Published on: Fri, 24 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer