વડા પ્રધાનના સક્ષમ નેતૃત્વમાં દેશ નવી ઊંચાઈએ પહોંચી રહ્યો છે : જે. પી. નડ્ડા

વડા પ્રધાનના સક્ષમ નેતૃત્વમાં દેશ નવી ઊંચાઈએ પહોંચી રહ્યો છે : જે. પી. નડ્ડા
ભાજપપ્રમુખની મોદી સાથે મુલાકાત
પ્રમોદ મુઝુમદાર તરફથી
નવી દિલ્હી, તા. 23 : ભાજપના રાષ્ટ્રીયપ્રમુખ જે. પી. નડ્ડાએ પ્રમુખ બન્યા બાદ આજે પ્રથમવાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી અને તેમના આશીર્વાદ માગ્યા હતા.
આ મુલાકાત બાદ નડ્ડાએ જણાવ્યું હતું કે, વડા પ્રધાનના સક્ષમ નેતૃત્વમાં દેશ નવી ઊંચાઈઓને આંબી રહ્યો છે. તેમના મૂલ્યવાન માર્ગદર્શનની સાથે હું પક્ષ અને દરેક ઘરમાં તેમની વિચારધારા લઈ જવાનું લક્ષ રાખીશ.
સોમવારે નડ્ડા વિશ્વના સૌથી મોટા રાજકીય પક્ષ ભાજપના 11મા રાષ્ટ્રીય પ્રમુખપદે બિનહરીફ ચૂંટાયા હતા. તેમણે અમિત શાહની જગ્યા લીધી છે. નડ્ડા અત્યાર સુધી ભાજપના કાર્યકારી પ્રમુખ હતા.
તેમણે પ્રમુખ બન્યા બાદ તરત જ પક્ષના તમામ રાષ્ટ્રીય મહાસચિવો સાથે બેઠક કરીને સંગઠનાત્મક પ્રવૃત્તિઓની સમીક્ષા કરી હતી અને સીએએના મુદ્દે ચલાવાતા દેશવ્યાપી અભિયાનની વર્તમાન સ્થિતિનો કયાસ કાઢયો હતો અને તેને વધુ ગતિશીલ બનાવવા જરૂરી આદેશ આપ્યો હતો.
31 જાન્યુઆરીના ભાજપની સંસદીય પક્ષની બેઠક મળવાની છે, જેમાં દિલ્હી વિધાનસભાની ચૂંટણી સંદર્ભે રણનીતિ ઘડી કાઢવામાં આવશે.
Published on: Fri, 24 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer