સાવલીના ધારાસભ્યના રાજીનામા મુદ્દે કૉંગ્રેસે ખુશ થવાની જરૂર નથી : રૂપાણી

સાવલીના ધારાસભ્યના રાજીનામા મુદ્દે કૉંગ્રેસે ખુશ થવાની જરૂર નથી : રૂપાણી
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.23 : સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે બુધવારે રાજીનામું આપી દેતા ગુજરાત ભાજપમાં રાજકીય ભૂકંપ આવી ગયો છે. કેતન ઇનામદારના સમર્થનમાં નગરપાલિકાના પ્રમુખ સહિત 23 સભ્યોએ રાજીનામાં આપી દીધાં છે. નગરપાલિકાના સભ્યો બાદ તાલુકા પંચાયતના 17 સભ્યોએ, પણ રાજીનામાં ધરી દીધાં છે અને હવે સંગઠનના 300થી વધુ હોદ્દેદારોએ પણ રાજીનામાં આપી દીધાં છે. આ ઉપરાંત ડેસરના 165 હોદ્દેદારો અને સાવલીના 300થી વધુ હોદ્દેદારોએ પણ રાજીનામાં ધરી દીધાં છે. આ સમગ્ર મામલો ગંભીર બની જતા ધારાસભ્ય કેતન ઇનામદારને મનાવવા ખુદ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી વડોદરા દોડી ગયા અને ઘીના ઠામમાં ઘી ઠળી જશે તેવું મનાઈ રહ્યું છે. દરમિયાન ભાજપમાં ભાંજગડથી વિપક્ષ કૉંગ્રેસ ગેલમાં આવી ગઈ છે. કૉંગ્રેસના નેતાઓએ સૂચક રીતે કહ્યું કે, મુખ્ય પ્રધાન અડધી પીચે રમવા જશે તો તેમના જ સભ્યો સ્પમ્પ આઉટ કરશે. જેના પ્રત્યુત્તરમાં પોતાની પ્રતિક્રિયા આપતા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે, કૉંગ્રેસે હરખાવાની જરૂર નથી. તેમના ઘણા ધારાસભ્યો લાઇનમાં છે. મુખ્ય પ્રધાન રૂપાણીએ ઉમેર્યું હતું કે, કેતનભાઇ સાથે પ્રદેશ પ્રમુખ જીતુભાઇની વાતચીત ચાલુ છે અને ધારાસભ્યના પ્રશ્નોનું નિરાકરણ થઈ જશે. 
મહત્ત્વનું છે કે, વિધાનસભામાં વિપક્ષના નેતા અને અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીએ આ મામલે કહ્યું હતું કે, કેતન ઇનામદારે ઇમાનદારીપૂર્વક રજૂઆત કરી તે આવકાર્ય છે. અધ્યક્ષ રાજીનામું સ્વીકારે તેવી અપેક્ષા છે. ભાજપના અનેક ધારાસભ્યોનાં મોઢે તાળાં વાગ્યાં છે. ભાજપના મિત્રો અપરાધ ભાવથી મુક્ત થાય તે જરૂરી છે. જેમની પણ સાથે અન્યાય થઈ રહ્યો છે તેમને કૉંગ્રેસમાં આવકાર છે. 
તેમણે ઉમેર્યું કે, ભાજપના સભ્યો સાચુ બોલવા જાય તો તેમને વિમુખ કરવામાં આવે છે. ભાજપના અનેક ધારાસભ્યો અમારી સમક્ષ, પણ તેમની વ્યથા વ્યક્ત કરતા હોય છે. અન્ય કેટલાક ધારાસભ્યો પણ રાજીનામું આપીને અપરાધ ભાવમાંથી મુક્ત થશે. ભાજપના ભય અને ભ્રષ્ટાચાર સામે હવે અવાજ ઉઠાવવાનું શરૂ થયું છે. સાચું બોલનારને કૉંગ્રેસ સમર્થન આપશે. 
બીજી બાજુ કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને અંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાએ કહ્યું કે, સમગ્ર જનતાની સાથે ભાજપના સભ્યો પણ ત્રસ્ત છે. ભાજપના સભ્યો બળવો કરવાના મૂડમાં છે. ભાજપના પ્રધાનો અને અધિકારીઓ મનમાનીથી સરકાર ચલાવે છે. મુખ્ય પ્રધાન બદલવાની લડાઈ ચાલી રહી છે અને એના મૂળ ઇનામદારનું રાજીનામું છે. ભાજપના ધારાસભ્યો વિજયભાઇ અને નીતિનભાઇને ધરે મોકલવાના મૂડમાં છે. પ્રધાન બનવા માટે ભાજપમાં હરીફાઈ ચાલે છે. મુખ્ય પ્રધાન અડધી પીચે રમવા જસે તો તેમનાજ સભ્યો સ્ટમ્પ આઉટ કરશે. વિજયભાઇને 2022 સુધીનો મેન્ડેટ મળ્યો છે. અમે આશા રાખીએ તે પૂર્ણ કરે. ભાજપના સભ્યો જ નથી ઇચ્છતા કે તેઓ 2022 સુધી રહે.
Published on: Fri, 24 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer