મુકેશ અંબાણીના બંગલાની બહાર સુરક્ષામાં તહેનાત જવાનને આકસ્મિક રીતે ગોળી વાગી

મુકેશ અંબાણીના બંગલાની બહાર સુરક્ષામાં તહેનાત જવાનને આકસ્મિક રીતે ગોળી વાગી
સ્પોટ પર જ જૂનાગઢના જવાનનું મૃત્યુ, આપઘાતની વાતને કેન્દ્રીય અનામત પોલીસ દળે રદિયો અપાયો
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 23  : દેશના ટોચના ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણીના બંગલાની બહાર તહેનાત કેન્દ્રીય અનામત પોલીસ દળના જવાનની રાઇફલમાંથી અકસ્માતે ગોળી છૂટતાં તેનું સ્પોટ પર જ મરણ નીપજ્યું છે. તેનું નામ દેવદાન રામભાઈ બાકોતરા (30) છે. તે જૂનાગઢના વતની છે.
મુકેશ અંબાણીનો 27 માળનો `અન્તાલિયા' બંગલો દક્ષિણ મુંબઈમાં પેડર રોડ પાસે આવેલો છે.
પ્રાથમિક તપાસમાં માલૂમ પડયું છે કે બુધવારે સવારે સાત વાગે બાકોતરા ગબડી પડતાં તેમની અૉટોમેટિક રાઇફલમાંથી બે ગોળીઓ છૂટી હતી. જે તેમની છાતીમાં ઘૂસી ગઈ હતી. તેમને તત્કાળ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને મરણ પામેલા જાહેર કરવામાં આવ્યા હતા. પોસ્ટમૉર્ટમ પછી બાકોતરાનો મૃતદેહ તેમના પરિવારને સોંપવામાં આવ્યો હતો. ગામદેવી પોલીસ સ્ટેશને અકસ્માત મૃત્યુનો કેસ નોંધીને તપાસ શરૂ
કરી છે. પોલીસ ઉપાયુક્ત રાજીવ જૈને જણાવ્યું હતું કે રાઇફલમાંથી અકસ્માતે ગોળી છૂટી હતી. તેમાં આત્મહત્યા હોવાનું જણાતું નથી એમ તેમણે ઉમેર્યું હતું.
દેવદાન બાકોતરા વર્ષ 2014માં સી.આર.પી.એફ.માં જોડાયા હતા. મુકેશ અંબાણીને ઝેડપ્લસ સુરક્ષા અપાઈ છે. તેની જવાબદારી સી.આર.પી.એફ.ને સોંપવામાં આવી છે. મુકેશ અંબાણીનાં પત્ની નીતા અંબાણીને સી.આર.પી.એફ.ની વાય કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે.
Published on: Fri, 24 Jan 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer