અલી ફઝલ અને રિચા ચઢ્ઢાનાં લગ્નની શરણાઈ વાગશે

અલી ફઝલ અને રિચા ચઢ્ઢાનાં લગ્નની શરણાઈ વાગશે
આ વર્ષે બૉલીવૂડ યુગલમાં અલી ફઝલ અને રિચા ચઢ્ઢાના લગ્નની શરણાઈઓ સાંભળવા મળશે. 2013માં ફિલ્મ ફુકરેના સેટ પર અલી અને રિચાની પ્રથમ મુલાકાત થઈ હતી અને ત્યાર બાદ બંને એકમેકના સારા મિત્રો બની ગયા હતા. હવે સાત વર્ષ બાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે. આગામી થોડા મહિનામાં યોજાનારા આ લગ્ન માટે બંનેના પરિવારજનો દિલ્હી અને મુંબઈમાં લગ્નના સ્થળની શોધ કરી રહ્યા છે. જોકે, અલી અને રિચા પોતાની ફિલ્મોના શિડયુલ અનુસાર લગ્નની તારીખ નક્કી કરશે ત્યાર પછી જ બાકીની બધી વિગતોની સ્પષ્ટતા થશે. આ કલાકારો જૂન અથવા જુલાઈ મહિનામાં લગ્ન કરવાનું વિચારે છે. લગ્નમાં ચાર વિધિ કરવામાં આવશે.
ફુકરેનું શૂટિંગ પૂરું થયા બાદ બે વર્ષે અલી અને રિચાએ ડેટિંગ કરવાનું શરૂ કર્યું હતું. બંનેના રસના વિષયો એક સરખા હોવાથી તેમને એકબીજા સાથે રહેવું ગમવા લાગ્યું હતું. જોકે, આ યુગલ જાહેરમાં ઝાઝું જોવા મળતું ન હતું એટલે લોકોને તેમના વિશે ખબર પડી નહોતી. 2017ના સપ્ટેમ્બર મહિનામાં 74મા વેનિસ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં અલીની ફિલ્મ વિક્ટોરિયા ઍન્ડ અબ્દુલના પ્રીમિયરમાં અલીની સાથે રિચા, પણ હાજર રહેતા સૌને તેમના સંબંધ વિશે જાણ થઈ હતી. 
તાજેતરમાં રિચાની ફિલ્મ પંગા રજૂ થઈ ત્યારે પણ અલી સાથેના લગ્ન વિશે તેને સવાલ પૂછવામાં આવ્યા હતા. આ સવાલના જવાબમાં તેણે જણાવ્યું હતું કે, મને અત્યારે અમારા લગ્ન વિશે નથી ખબર. મારા મતે બાળક કરવાની ઇચ્છા થાય ત્યારે જ લગ્ન કરવા જોઇએ. એક સમાન પશ્ચાદ્ભૂમાંથી આવતી બે વ્યક્તિના વિચારો અને રસમાં સામ્યતા હોવી સહજ છે. અમને એકબીજાની સાથે રહેવામાં આનંદ આવે છે. મારા મતે આ એક મોટો ચમત્કાર છે. 
જ્યારે અલીએ આવા સવાલના જવાબમાં કહ્યું હતું કે, અમે બંને પરિપકવ છીએ. અમારે શું જોઇએ છે અને શું નથી જોઇતું એનો નિર્ણય કરવા સક્ષમ છીએ. અમારા પરિવારજનો અમારી વાત સમજે છે એટલે અમને કોઈ વાંધો નથી.
Published on: Fri, 14 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer